બેલારુસની સ્ટાર ખેલાડી આર્યના સબાલેન્કો અને ઇટાલિયન ખેલાડી જાસ્મિન પાઉલિનીએ શાનદાર પ્રદર્શન કરીને રિયાદમાં રમાતી ડબ્લ્યૂટીએ ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજમાં વિજયી પ્રારંભ કર્યો હતો. રાઉન્ડ રોબિન મેચમાં ટોચની ક્રમાંકિત સબાલેન્કોએ ચીનની સાતમી ક્રમાંકિત ઝેંગ ક્વિનવેનને 6-3, 6-4થી હરાવીને ચાઇનીઝ ખેલાડી સામે અજેય રહેવાનો રેકોર્ડ અકબંધ રાખ્યો હતો.
બંને વચ્ચે ચાર મુકાબલા રમાયા છે અને તમામ સબાલેન્કોએ જીત્યા છે. અન્ય એક મેચમાં ચોથી ક્રમાંકિત પાઉલિનીએ કઝાકિસ્તાનની ઇલિના રિબાકિનાને 7-6, 6-4થી હરાવી હતી. ત્યારબાદ વિશ્વની પ્રથમ ક્રમાંકિત સબાલેન્કોએ પાઓલિનીને ગ્રૂપની અંતિમ મેચમાં 6-3, 7-5થી હરાવીને પર્પલ રાઉન્ડ રોબિન ગ્રૂપમાં ટોચના સ્થાન સાથે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. ત્યારબાદ ચીનની ઝેંગે ગ્રૂપની લીગ મેચમાં ઇલેના રિબાકિનાને 7-6 (7-4), 3-6, 6-1થી હરાવીને અંતિમ-4 માટેનો દાવો જીવંત રાખ્યો હતો.