Elon Musk Family Planning: દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ઇલોન મસ્કે પોતાના અગિયાર બાળકો અને તેમની માતાઓ માટે એક આલિશાન પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટી તેમણે એટલા માટે ખરીદી છે કે તેઓ દરેક બાળકો અને તેમની માતાઓ સાથે સમય પસાર કરી શકે. આ માટે તેમણે 14,400 સ્ક્વેર ફૂટનું મેનશન ખરીદ્યું છે.
35 મિલિયનની પ્રોપર્ટી
ઇલોન મસ્કે આ પ્રોપર્ટી અમેરિકાના ટેક્સાસમાં આવેલા ઓસ્ટિનમાં ખરીદી છે. ન્યુ યોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ આ પ્રોપર્ટીની કિંમત અંદાજે 35 મિલિયન ડોલર છે. મોટાભાગે આ પ્રકારનું ફેમિલી પ્લાનિંગ કોઈ નથી કરતા, પરંતુ ઇલોન મસ્કને જે શક્ય ન હોય તે શક્ય કરી બતાવવાની આદત છે.
કેટલા બાળકો છે?
ઇલોન મસ્કને પહેલું બાળક 2002માં થયું હતું, પરંતુ તે દસ અઠવાડિયામાં મૃત્યુ પામ્યું હતું. ત્યાર બાદ ઇલોન મસ્કને અત્યાર સુધીમાં અગિયાર બાળકો છે. આ અગિયાર બાળકોની ત્રણ માતાઓ છે. આમાંથી બે માતાઓ અને બધા બાળકો માટે મસ્કે આ પ્રોપર્ટી ખરીદી છે.
પોતાના ઘરથી દસ મિનિટના અંતરે
ઇલોન મસ્ક હાલ ટેક્સાસમાં જ્યાં રહે છે, ત્યાંથી આ નવી પ્રોપર્ટી દસ મિનિટના અંતરે છે. તે એક એવી સોસાયટી અથવા કમ્પાઉન્ડ બનાવવા માગે છે, જેમાં ફક્ત તેમના બાળકો અને તેમની માતાઓ રહેતી હોય.
કેમ ફેમિલી કમ્પાઉન્ડની જરૂર પડી?
ઇલોન મસ્ક ફક્ત છ કલાક સૂતા છે અને બાકીના સમયમાં કામ કરે છે. આથી તેની પાસે ખૂબ જ ઓછો સમય છે. તેના બધા બાળકો અને તેમની માતાઓ એક સાથે રહેશે તો તે બાળકો સાથે વધુ સારી રીતે સમય પસાર કરી શકે છે. આથી સમયનું યોગ્ય મેનેજમેન્ટ કરવા માટે મસ્કે આ રસ્તો અપનાવ્યો છે. તેમ જ તેના બાળકો પણ એકમેક સાથે મળીને રહે તે પણ તેની ઇચ્છા છે.
ઇલોન મસ્કના બાળકોની માતાઓ
ઇલોન મસ્કે સૌથી પહેલાં જસ્ટિન મસ્ક સાથે લગ્ન કર્યા હતા. તેમના પહેલા બાળકના મૃત્યુ બાદ, તેમણે IVF દ્વારા પાંચ બાળકોના માતા-પિતા બન્યા. તેમને પહેલાં ટ્વિન્સ ગ્રિફિન અને વિવિયન થયા હતા, ત્યાર બાદ ત્રિપ્લેટ્સ સેક્સન, ડેમિયન અને કાઇનું જન્મ થયું. જસ્ટિન સાથે ડિવોર્સ થયા બાદ, ઇલોન મસ્કે બ્રિટિશ એક્ટ્રેસ તુલાલાહ રીલ સાથે બે વખત લગ્ન કર્યા, પરંતુ તેમને કોઈ સંતાન નથી. મ્યુઝિશિયન ગ્રાઇમ્સ (સાચું નામ ક્લેર બાઉચર) સાથે, મસ્કને X, Y અને તાઉ એમ ત્રણ બાળકો છે. તેમની કસ્ટડી માટે હાલમાં ગ્રાઇમ્સ અને મસ્ક વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. 2021માં, મસ્ક ન્યુરાલિંક કંપનીમાં કામ કરતી એક્સીક્યુટિવ શિવોન ઝિલિસની મદદથી ફરી પિતા બન્યા હતા. તેમને જોડિયા બાળકો છે, અને હવે મસ્કે સ્વીકાર્યું છે કે તે શિવોન સાથે ત્રીજા સંતાન માટે તૈયારી કરી રહ્યો છે.
આ પણ વાંચો: ગૂગલ અને માઇક્રોસોફ્ટને ટક્કર આપવા મેટા તૈયાર: AIની મદદથી સર્ચ એન્જિન બનાવી રહ્યું છે
મસ્કની સંપત્તિ
ઇલોન મસ્કની સંપત્તિમાં હાલ 21 બિલિયન અમેરિકન ડોલરનો વધારો થયો છે. ટેસ્લા કંપનીના સ્ટોકમાં 19 ટકા ઉછાળાના કારણે તે વધુ ધનવાન બની ગયો છે. ટેસ્લાએ ત્રીજા ક્વાટરના રિપોર્ટ જાહેર કર્યા બાદ, તેના સ્ટોકમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. 2021ની માર્ચ બાદ, એક જ દિવસમાં આટલો વધારો પહેલી વાર થયો હતો. જેના કારણે ટેસ્લા હવે 117 બિલિયન ડોલરની કંપની બની ગઈ છે. દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે જેફ બેઝોસ બીજા ક્રમે છે, અને મસ્કની 61 બિલિયન ડોલરની વધુ મિલકત છે. ઇલોન મસ્કની કુલ સંપત્તિ હાલ 270.3 બિલિયન ડોલર છે.