Gajlaxmi Temple Junagadh : જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં સાડા ચાર સદી જૂનું પ્રાચીન મહાલક્ષ્મી મંદિર આવેલું છે. જેમાં માતાજીનું બાળ સ્વરૂપ બિરાજમાન છે. આજે (29 ઑક્ટોબર) ધનતેરસથી મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા ઉમટી પડશે. જૂનાગઢમાં તહેવાર પર અનોખી પરંપરા ચાલતી આવી છે.
નવરાત્રિના દિવસોમાં લોકો વાઘેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે. જ્યારે દિવાળી, નૂતન વર્ષ પર લોકો મહાલક્ષ્મી માતાજીના દર્શને જાય છે. શહેરના દાણાપીઠ વિસ્તારમાં અંદાજે 450 વર્ષ જૂનું મહાલક્ષ્મી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે.
જેમાં મહાલક્ષ્મીજીના આઠ સ્વરૂપમાનું એક એવા ગજલક્ષ્મી બાળ સ્વરૂપ બિરાજમાન છે. જૂનાગઢમાં દર વર્ષે ધનતેરસથી ભાઈબીજ સુધી મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવા જવાની પરંપરા છે.
આજે ધનતેરસથી મહાલક્ષ્મી મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટી પડશે. વહેલી સવારે 5-30થી બપોરે 12-30 સુધી અને સાંજે 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.