Stock Market Down: શેરબજાર માટે ઓક્ટોબર મહિનો વાસ્તવમાં અશુભ રહ્યો છે. છેલ્લા એક માસમાં મોટાપાયે વોલેટિલિટી વચ્ચે મંદીનું જોર વધ્યું છે. આ સપ્તાહે જ રોકાણકારોના 21.47 લાખ કરોડ સ્વાહા થયા છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે 1 ટકાથી વધુ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. શેરબજારમાં આટલા મોટા કડાકા પાછળ આ પાંચ કારણો જવાબદાર હોવાનું તારણ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
શેરબજારમાં મોટા કડાકા પાછળ જવાબદાર પરિબળો
1. એફઆઈઆઈની વેચવાલી
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ચીનમાં નીચા ભાવે રોકાણની નીતિ અપનાવી રહેલા વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી મોટાપાયે વેચવાલી નોંધાવી છે. ઓક્ટોબરમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ રૂ. 97205.42 કરોડની વેચવાલી નોંધાવી છે. ચીને રાહત પેકેજ જારી કરતાં વિદેશી રોકાણકારો ભારતના બદલે ચીનના બજારોમાં રોકાણ કરવા આકર્ષિત થયા છે. કારણકે, ભારતીય શેરબજારમાં વોલ્યૂમ ખૂબ ઊંચા છે, જ્યારે ચીનમાં નીચા ભાવે ખરીદી કરવાની તક છે.
2. નબળા ત્રિમાસિક પરિણામો
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં આઈટી, રિયાલ્ટી અને ઓટો કંપનીઓના પરિણામો એકંદરે અપેક્ષા કરતાં નબળા રહ્યા છે. આ સિવાય અન્ય ઘણી કંપનીઓએ નિરૂત્સાહી પરિણામો જાહેર કરતાં તેની અસર શેરબજાર પર જોવા મળી છે.
આ પણ વાંચોઃ શેરબજાર કડડભૂસ, સેન્સેક્સે 80000નું લેવલ ગુમાવ્યું, મિડકેપ સ્મોલકેપ શેર્સમાં મોટો કડાકો
3. યુએસ ચૂંટણી 2024
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી ટક્કર જોવા મળી છે. ઘણા ઓપિનિયન પોલમાં કમલા હેરિસ તો અમુક ઓપિનિયન પોલમાં ટ્રમ્પની જીત જોવા મળી છે. ફેડ દ્વારા પણ વ્યાજના દરમાં ઘટાડો થવાની અટકળોના પગલે રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
4. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ
ઈરાન અને ઈઝરાયલ, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલની સેના ટૂંકસમયમાં ગાઝા સીઝ ફાયર ડીલ મુદ્દે ચર્ચા કરે તેવા અહેવાલો મળ્યા છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસની અસર શેરબજાર પર થઈ છે.
5. ઊંચા વોલ્યૂમમાં પ્રોફિટ બુકિંગ
સ્થાનિક સ્તરે ભારતીય શેરબજાર છેલ્લા નવ મહિનાથી સતત વધી રહ્યા છે. વોલ્યૂમ ખૂબ ઊંચા થયા છે. જેના પગલે રોકાણકારો વેચવાલી નોંધાવી પ્રોફિટ બુક કરી રહ્યા છે. દિવાળી ટાણે કેટલાક રોકાણકારો પોતાનો જૂનો માલ ખાલી કરી નવો માલ ખરીદવાની તૈયારીઓ કરતાં પણ જોવા મળ્યા છે. માર્કેટના નિયમ મુજબ, ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જારી તેજી વચ્ચે મોટુ કરેક્શન જરૂરી છે.