ન્યૂઝીલેન્ડ સામે સુલ્તાન જોહોર કપમાં શુક્રવારે રમાયેલી રાઉન્ડ રોબિન લીગ મુકાબલામાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને મેચ 3-3ના સ્કોરથી ડ્રો કરી હતી. ગુરજોતસિંહે છઠ્ઠી, રોહિતે 17મી તથા પ્રિયબ્રતે 60મી મિનિટે ભારત માટે ગોલ કર્યા હતા.
બીજી તરફ ન્યૂઝીલેન્ડ માટે ડ્રેગ ફ્લિકર જોન્ટી એલ્મેસે 17મી, 32મી તથા 45મી મિનિટે ગોલ કરીને હેટ્રિક નોંધાવી હતી. ભારત પોઇન્ટ ટેબલમાં 10 પોઇન્ટ સાથે મોખરાના સ્થાને છે. ફાઇનલમાં કઈ ટીમો સ્થાન મેળવશે તેનો નિર્ણય બ્રિટન વિ. જાપાન અને ઓસ્ટ્રેલિયા વિ. મલેશિયા વચ્ચેની મેચની વિજેતા ટીમોના આધારે થશે. ભારતે મેચની આક્રમક શરૂઆત કરી હતી અને ગુરજોતે છઠ્ઠી મિનિટે ગોલ કરી ભારત માટે ખાતું ખોલ્યું હતું. બે મિનિટ બાદ ભારતને સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા પરંતુ ગોલ થઈ શક્યો નહોતો. ત્યારબાદ અંતિમ મિનિટો સુધી મેચ અત્યંત રોમાંચક બની હતી અને બંને ટીમોએ લીડ મેળવવા માટેના તમામ પ્રયાસ કર્યા હતા.