Surat Corporation : સુરત શહેરના બ્રિજ સિટી, ડાયમંડ સીટી અને ક્લીન સીટી બાદ હવે એવોર્ડ સીટી બનવા જઈ રહ્યું છે. સુરત પાલિકાને દેશના સ્વચ્છ સીટી બાદ થોડા સમય પહેલા જ હવા અને પાણી માટે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ત્રણ દિવસના અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ-2024માં સુરત પાલિકાને અર્બન ટ્રાન્સપોર્ટેશન માટે એવોર્ડ મળવા જઈ રહ્યો છે. ભારતમાં અર્બન મોબિલિટી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ‘સીટી વિથ ધ બેસ્ટ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ’ હેઠળ આ એવોર્ડ કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રીના હસ્તે આપવામાં આવશે.
ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિર ખાતે આગામી 25,26 અને 27 ઓક્ટોબરના રોજ 17 મી અર્બન મોબીલીટી ઈન્ડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેમાં સુરત સહિત દેશના મોટા શહેરો અને મહાનગરપાલિકા ભાગ લેશે. દેશના વિવિધ શહેરોમાં મોબીલીટી બાબતે વધુમાં વધુ સવલતો કેવી રીતે આપી શકાય તે માટે વિવિધ શહેરો દ્વારા સેમિનાર દરમિયાન ચર્ચા અને પ્રેઝન્ટેશન કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સેમિનારમાં ફ્રેમવર્ક ફોર પ્લાનિંગ ઓફ ઈન્ટિગ્રેશન ઓફ મોડસ ઇન અર્બન મોબિલિટી, વિઝન ફોર ક્લીન એર સિટીઝ : ઈમ્પેક્ટ ઓફ અર્બન ટ્રાન્સપોર્ટ, ઇનોવેશન ચેલેન્જ જેવા વિષયો પર રાઉન્ડ ટેબલ ડિસ્કશન થશે. સુરત મહાનગરપાલિકા બે વિષય પર પ્રેઝન્ટેશન આપશે. સવારના સેશનમાં ‘એક્ટિવ મોબિલિટી ફોર ઓલ’ અને બપોરના સેશનમાં ‘બિલ્ડિંગ 15 મિનિટ સિટીઝ’ વિષય પર વિવિધ પાસાંઓને આવરી લઈને પ્રેઝન્ટેશન આપવામાં આવશે.
સેમિનારના છેલ્લા દિવસે એટલે કે 27 ઓક્ટોબરના રોજ એવોર્ડ સેરેમની કરવામાં આવશે. સુરત પાલિકાએ સિટી વિથ બેસ્ટ ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ કેટેગરીમાં દાવેદારી નોંધાવી હતી. તે પૈકી એક્સલન્સ ઈન અર્બન ટ્રાન્સપોર્ટેશન માટે સુરત મહાનગરપાલિકાને નંબર-1નો એવોર્ડ મળશે તે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયના મંત્રી પરમાનંદ ખટ્ટરના હાથે આપવામાં આવશે.
સુરત સામૂહિક સેવાનો વધુ પેસેન્જર ફ્રેન્ડલી બનાવી રહી છે
સુરત શહેરમાં સામુહિક પરિવહન સેવા માટે બીઆરટીએસ અને સીટી બસની સેવા પેસેન્જર ફ્રેન્ડલી બનાવવા માટે પાલિકા દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. શહેરના જાહેર પરિવહન નેટવર્કને વધુ અસરકારક બનાવવા માટે એક અદ્યતન ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (ITS) અમલમાં મુકેલ જેમાં ઈન્ટેલિજન્ટ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS), ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ (AFCS), અને ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (ITCS) જેવી મુખ્ય કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે સુરતીઓને આધુનિક, અસરકારક, અને વિશ્વસનીય પરિવહન સુવિધા મળી રહે. છે.
ITMS પ્રોજેક્ટ જીપીએસ અને મોબાઈલ એપ્લિકેશન્સના ઉપયોગથી બસોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવાની સુવિધા આપવામાં આવે છે. જેના કારણે મુસાફરોને સચોટ પરિવહન સુવિધાની માહિતી સતત મળતી રહે છે. AFCS પ્રોજેકટ જાહેર પરિવહન સેવામાં સુરત મની કાર્ડ મારફત કેશલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા પુરી પાડી ફેર કલેક્શનને સરળ બનાવે છે અને વિવિધ પરિવહન મોડ્સ, જેમ કે સીટી અને BRTS બસમાં એક જ ટીકીટથી સરળ મુસાફરોની સુવિધા આપવામાં આવે છે.
ITCS, પ્રોજેક્ટ અંતર્ગત અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમની મદદથી ટ્રાફિક પ્રવાહને આધારે ટ્રાફિક સિગ્નલના ટાઈમીંગ ડાયનામિક રીતે ઓટોમેટીક સેટ કરે છે જેને કારણે ટ્રાફિક જંકશન પર ટ્રાફિકના ભારણમાં ઘટાડો કરે છે અને ટ્રાફિક નિયમોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકે છે.સુરત ગુજરાતનું પ્રથમ શહેર છે, કે જ્યાં સૌથી વધુ સંખ્યામાં ATCS જંક્શન એક પ્લેટફોર્મ પર સંકલિત કરવામાં આવ્યા છે, જે અદ્યતન AI આધારિત વ્હીકલ ડિટેક્શન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ITS પ્રોજેક્ટના સફળ અમલીકરણ સાથે, સુરત વધુ સસ્ટેનેબલ, એકસેસીબલ અને સીટીઝન ફ્રેન્ડલી શહેરી પરિવહન પ્રણાલી તરફ આગળ વધી રહ્યું છે, જે તેની ઝડપથી વધતી વસ્તી પરિવહન જરૂરિયાતોને પૂરી કરી રહ્યું છે.