ઓડિશા અને પશ્ચિમ બંગાળને ચક્રવાત ‘દાના’ને લઈને એલર્ટ કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન દાના 24 ઑક્ટોબરે ઓડિશામાં ટકરાયુ હતું. પશ્ચિમ બંગાળના જૂના દીઘામાં ટકરાયુ હોવાનું પણ સામે આવ્યું હતું. જો કે હાલ ચક્રવાત લેન્ડફોલ થઇ રહ્યું છે. એટલે કે સુપર સાયક્લોનમાંથી સામાન્ય સાયક્લોન બની રહ્યું છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ ચક્રવાત નબળુ પડી ગયુ છે.
ચક્રવાતી તોફાન નબળું પડ્યું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત દાના નબળું પડ્યું છે. જેના કારણે 4 રાજ્યો ઓડિશા, ઝારખંડ, બંગાળ અને બિહારના લોકો માટે રાહતના સમાચાર છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રના નિયામક મનોરમા મહંતીએ જણાવ્યું હતું કે બે વિરોધી ચક્રવાતી પરિભ્રમણની રચનાને કારણે, દાનાની લેન્ડફોલ વિલંબિત થઈ છે. જ્યારે ચક્રવાત દરિયાકાંઠા તરફ આગળ વધ્યું, ત્યારે બે વિરોધી ચક્રવાત પરિભ્રમણ રચાયા. ચક્રવાતની બંને બાજુએ પૂર્વ અને પશ્ચિમ દિશામાં બે દબાણ વિસ્તારો બન્યા હતા. જેને કારણે ચક્રવાત નબળુ પડ્યુ છે. આ કારણે ચક્રવાત દાના નબળું પડ્યું અને તેની ગતિ પણ ધીમી પડી છે.
વરસાદ તો ચાલુ જ રહેશે
આ અંગે આઇએમડીના ડીજી ડૉ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યુ કે ચક્રવાત હવે ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને આજે સાંજ સુધીમાં તે ડીપ ડિપ્રેશનમાં નબળું પડી જશે. જો કે વરસાદ તો ચાલુ જ રહેશે તેમ જણાવ્યું છે. મયુરભંજ, ભદ્રક, કેઓંઝારમાં ભારેથી ભારે વરસાદ પડશે તેમ જણાવ્યું હતું.
બંગાળમાં પાક બરબાદ
પશ્ચિમ બંગાળમાં આવેલા ચક્રવાતી તોફાનથી ખેડૂતોને સૌથી વધુ અસર થઈ છે. પશ્ચિમ મેદિનીપુરમાં ચક્રવાતી તોફાન દાનાને કારણ જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખેતરોમાં ઉભેલા ડાંગરના પાકને પણ ઘણું નુકસાન થયું છે. એક પછી એક તોફાની પવન અને વરસાદના કારણે અનેક ઉભા પાકને નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ ડાંગરના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે અને અન્ય સ્થળોએ પાક નાશ થવાને આરે છે.