ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન ગયા શનિવારે આમને-સામને આવ્યા હતા. ઈન્ડિયા A એ પાકિસ્તાન A ટીમને રોમાંચક મેચમાં 7 રને હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં પાકિસ્તાની ઈનિંગ દરમિયાન ભારતીય ટીમ સાથે બેઈમાનીનો મામલો સામે આવ્યો છે. આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. અમ્પાયરના ખોટા નિર્ણય છતાં ભારત આ મેચ જીતવામાં સફળ રહ્યું હતું.
ભારતીય ટીમ સાથે બેઈમાની?
આ ઘટના પાકિસ્તાની ઈનિંગની 7મી ઓવરની છે, જેમાં રાહુલ ચાહર ટીમ ઈન્ડિયા માટે બોલિંગ કરવા આવ્યો હતો. કાસિમ અકરમે ઓવરના પહેલા બોલ પર 2 રન લીધા હતા, પરંતુ પછીના બોલે ગ્રાઉન્ડ અમ્પાયરે તેને નો-બોલ જાહેર કર્યો હતો, જેના પર પાકિસ્તાની બેટ્સમેને એક રન બનાવ્યો હતો. પરંતુ જ્યારે રિપ્લે બતાવવામાં આવ્યું ત્યારે રાહુલના પગનો નાનો ભાગ સફેદ લાઇનની પાછળ જોવા મળ્યો હતો. પછી શું થયું, ભારતીય પ્રશંસકો ગુસ્સે થઈ ગયા અને અમ્પાયરોને ટ્રોલ કરવા લાગ્યા. ઘણા લોકોએ કહ્યું કે પાકિસ્તાનને ફ્રીમાં ફ્રી હિટ મળી, જેના પર યાસિર અકરમે સિક્સર ફટકારી હતી.
પાકિસ્તાનને બેક ફૂટ પર ધકેલ્યું
યાસિર અકરમે ફ્રી હિટ પર ફટકારેલી સિક્સ ખૂબ જ મહત્વની ક્ષણે આવી હતી. પ્રથમ 6 ઓવરમાં પાકિસ્તાને 2 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં રાહુલ ચહરના બોલ પર સિક્સર ફટકાર્યા બાદ પાકિસ્તાન ટીમનું સ્કોરબોર્ડ ઝડપથી આગળ વધવા લાગ્યું. પરંતુ એ સારી વાત હતી કે 2 ઓવર પછી નિશાંત સિંધુએ 6 બોલના ગાળામાં 2 વિકેટ લઈને પાકિસ્તાનને બેક ફૂટ પર મોકલી દીધું હતું.
નો-બોલનો નિયમ શું કહે છે?
આઈસીસીના નિયમો અનુસાર, જો બોલરના પગની એડીનો ભાગ સફેદ રેખાની બહાર જાય તો અમ્પાયર નો બોલ આપી શકે છે. પરંતુ રાહુલ ચહરના કેસમાં તસવીરો જોતા સ્પષ્ટ થાય છે કે તેના પગનો કેટલોક ભાગ સફેદ લાઇન પર હતો.