ભાવનગર શહેરમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વાતાવરણમાં પલટાની સાથે જ ધમાકેદાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે શહેરમાં વરસાદે જમાવટ કરી છે.
કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદની એન્ટ્રી
શહેરના અનેક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ત્યારે કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતો ચિંતામાં છે અને ખેડૂતોના તૈયાર પાકને હવે નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે.
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, તાપી, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, વડોદરા, દાહોદમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગે દક્ષિ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગે કહ્યું છે કે ભેજનું પ્રમાણ વધતા રાજ્યમાં વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.
વલસાડ જિલ્લામાં મોડી સાંજે મેઘ તાંડવ
વલસાડ જિલ્લામાં પણ મોડી સાંજે મેઘ તાંડવ જોવા મળ્યું હતું. ભારે પવન સાથે આવેલા મીની વાવાઝોડાએ સમગ્ર વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે. પારડી તાલુકાના કાકરકોપર, સુખાલા, બાલદા, સુખેશ જેવા ગામોમાં ભારે નુકસાન થયું છે. કોઈ જગ્યાએ મકાનોના છાપરા તૂટ્યા તો વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ સામે આવ્યા છે. પારડીથી કપરાડા જતા સ્ટેટ હાઈવે પર મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થતાં માર્ગ બંધ થયો હતો. વૃક્ષ ધરાશાયી થતાં ત્રણથી ચાર જેટલી કાર વૃક્ષ નીચે દબાઈ હતી. જો કે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.