Mehsana News: દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ અને હત્યા બાદ વડોદરામાં બીજા નોરતે થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાએ આખા ગુજરાતમાં ચકચારી મચાવી દીધી છે. આ બે ઘટના બાદ મહેસાણામાં આવો બનાવ બનવા જઈ રહ્યો હતો. જોકે, બાળકીની વિવેક બુદ્ધિ અને સમજદારીના કારણે કોઈ ગંભીર બનાવ બનતા ટળ્યો છે.10 વર્ષની બાળકીને આઇસ્ક્રીમની લાલચ આપી યુવક ખરાબ ઈરાદા સાથે અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હતો.
શું હતો સમગ્ર બનાવ?
મહેસાણામાં એક અજાણ્યો યુવક 10 વર્ષની બાળકીને પોતાની વાતોમાં ફસાવીને આઈસ્ક્રીમની લાલચ આપી. ત્યારબાદ તેને પોતાની બાઇક પર બેસાડી મહેસાણાના બાજુના ગામમાં લઈ જતો હતો. પરંતુ, બાળકીને અજુગતું લાગતા તેણે યુવકને પૂછ્યું કે, તમે ક્યાં લઈ જાવ છો? ત્યારે સરખો જવાબ ન મળતાં બાળકીને કંઈક ખોટું થઈ રહ્યું છે તેવી શંકા થતાં તે બાઇક પરથી કૂદકો મારીને નીચે ઉતરી ગઈ હતી.
આ પણ વાંચોઃ ગરબા રમી પાછા આવતાં 3 મિત્રોને કાળ ભરખી ગયો, બનાસકાંઠામાં કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત
પોલીસે કરી કાર્યવાહી
સમગ્ર મુદ્દે બાદમાં બાળકીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આરોપી મુકેશ પ્રજાપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ વિશે માહિતી આપતાં મહેસાણાના ડીવાયએસપીએ જણાવ્યું કે, અજાણ્યો વ્યક્તિ આઈસ્ક્રીમના બહાને બાળકીને લઈ ગયો હતો. આ દરમિયાન બાળકીએ તેને સવાલો પૂછવાનું શરૂ કર્યું. બાળકીએ યુવકને પૂછ્યું, ‘તું મને ક્યાં લઈ જાય છે? કઈ બાજુ લઈ જાય છે? અહીંયા શું કામ લઈ જાય છે?’ જોકે, બાળકીને બરાબર જવાબ ન મળતાં તેને શંકા ગઈ અને બાઇક પરથી કૂદકો મારી નીચે ઉતરી ગઈ. બાઇક પરથી ઉતર્યા બાદ પાછળથી આવતા કાર ચાલકે બાળકીને સમગ્ર વિગત પૂછી તેને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી દીધી હતી. હાલ પોલીસે વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ભાજપને ‘ભરતી મેળો’ નડ્યો, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ જ સરકારને ઘેરતાં કરી બબાલ!
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યુ હતું કે, આરોપી આ જ વિસ્તારમાં રહે છે અને તેનું નામ મુકેશ પ્રજાપતિ છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. સમગ્ર પૂછપરછ અને તપાસ બાદ ખબર પડશે કે, તે બાળકીને કેટલાં સમયથી જાણતો હતો અને ક્યારથી તેને ઓળખતો હતો અને બાળકીને લઈ જવા પાછળનો તેનો ઈરાદો શું હતો.