અડાલજની ગૌચરની જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી લારી-ગલ્લા, દુકાનોસ હોટલોનો દબાણો ઉભા થઈ ગયા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ સર્જાતી હતી. આજે રવિવારના દિવસે જિલ્લા વહીવટી તંત્રનું જેસીબી આ દબાણો પર ત્રાટક્યું હતું. કાચા-પાકા મળીને એકસો જેટલા દબાણો તોડી પાડી 4600 ચોમી જમીન એટલેકે અંદાજે બે વીઘા જમીનને દબાણ મુક્ત કરી હતી.
અડાલજ ગ્રામપંચાયતની ગૌચરની જમીનમાં દબાણો વધી ગયા હતા.અડાલજથી મહેસાણા હાઈવે ઉપર કલોલ તરફથી આવતા માર્ગ ઉપર આ દબાણો નડતરરૂપ બન્યા હતા. ગૌચરની જમીન પર હોટલો, પાન-મસાલાની દુકાનો સહિતના લારી-ગલ્લા, કાચા-પાકા મકાન ધારકોએ કબ્જો કરી લીધો હતો. હોટલો અને પાન-મસાલાની દુકાનોના કારણે માર્ગ પર જ વાહનો પાર્ક થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા અહીં ઘણીવાર જટિલ બની જતી હતી. અકસ્માત સર્જાય તે હદે સ્થિતી વણસી જતી હતી. અંદાજે બે વીઘા જમીન પર દબાણકર્તાઓએ ગેરકાયદે કબજો કરી લીધો હતો. પોતાની માલિકીની જગ્યા હોય તેમ દબાણકર્તાઓ ધીરેધીરે કરીને પોતાના પગ પ્રસરાવતા જતા હતા. જોતજોતામાં ગૌચરની જમીન પર એકસોથી વધુ દબાણો ઉભા થઈ ગયા હતા. પરંતુ અડાલજ ગ્રામપંચાયત પોતાની આ ગૌચરની જમીન પરથી દબાણો દૂર કરાવામાં નિષ્ફળ રહી. જેના કારણે દબાણકર્તાઓને મોકળું મેદાન મળી ગયું હતું. આખરે આજે જિલ્લા વહીવટી તંત્રએ સફાયો બોલાવી દીધો.
આ રોડ ટચની ગૌચરની જમીન પર દિનપ્રતિદિન કાચા-પાકા દબાણોની સાથે હોટલો – મોલના દબાણો વધી રહ્યા હોવાનું જિલ્લા કલેક્ટર મેહુલ દવેના ધ્યાનમાં આવતાં એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આજે રવિવારની રજાના દિવસે જિલ્લા વહીવટી તંત્રની ટીમ જેમાં ગાંધીનગર પ્રાંત અધિકારી બ્રિજેશ મોડીયા, મામલતદાર હરેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી મલય ભૂવા, અડાલજ ગામના સરપંચ અને તલાટી, માર્ગ-મકાનની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે દબાણની જગ્યા પર સંયુક્ત રીતે ત્રાટકી હતી. સવાર-સવારમાં અધિકારીઓનો કાફલો જોઈને દબાણકર્તાઓ ફફડી ઉઠયા હતા. જિલ્લા કલેક્ટરના જણાવ્યાનુસાર અડાલજ ગામની ગૌચરની જમીનના સર્વે નંબર-410, 411, 412 અને 328 ઉપર થયેલા દબાણોને દુર કરવામાં આવ્યા હતા. જેમાં કાચા-પાકા દબાણો, લારી-ગલ્લા, દુકાનો, હોટલો, મોલના શેડ, હોર્ડિંગ્સ સહિત એકસોથી વધુ દબાણોનો કડૂસલો બોલાવવામાં આવ્યો હતો.