વિદેશ ટૂરમાં સુવિધા પુરી પાડવાનું કહી 21 લાખનું ફ્રોડ કરનાર ટૂર એજન્ટ તેજસ શાહ સામે અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 40 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ટૂર કંપનીના અધિકારીએ 2018માં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગ્રાહકોની ટૂર અને એર ટિકિટ બૂકિંગના પૈસા આરોપીએ જમા કરાવ્યા ન હતા. તેજસ શાહ હાલ વિદેશમાં હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.
સીઆઈડી ક્રાઈમમાં ગત મંગળવારે તેજસ શાહ, ગૌરાંગ શર્મા અને ત્રણ કંપનીના સંચાલકો સામે 21 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ દાખલ થઈ હતી. આ મામલે પોલીસે નારણપુરા વિસ્તારમાં રહેતાં મુખ્ય સૂત્રધાર તેજસ શાહ અંગે તપાસ કરતા તે વિદેશમાં હોવાની વિગતો મળી છે. તેજસ શાહ અને તેના સાગરિતે ફરિયાદીને જૂદા જૂદા દેશોની ટૂરમાં વિવિધ સુવિધા પુરી પાડવાની ખાતરી આપી રૂ.32,87,450ની રકમ મેળવ્યા બાદ માત્ર રૂ.11.71 લાખની સુવિધા પુરી પાડી રૂ.21,16,450ની મત્તાની છેતરપિંડી આચર્યાનો આક્ષેપ ફરિયાદમાં થયો હતો. આ કેસના સૂત્રધાર તેજસ શાહ સામે 2018માં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જે મુજબ આરોપીએ આબાંવાડીમાં આવેલી ખાનગી ટૂર કંપની સાથે આરોપીએ રૂ.35,53,585ની મત્તાની છેતરપિંડી આચરી હતી. જે મુજબ ફરિયાદીની કંપનીમાં આરોપી તેજસ શાહે જૂદા જૂદા ગ્રાહકોના રૂ.68,40,107ની મત્તાના એર ટિકીટ બૂકીંગ, ટૂર પેકેજ અને હોટલ બુકીંગ કરાવી રૂ.28,46,122ની રકમ જમા કરાવી હતી. તેજસે બાકીની રકમ ચુકવવા માટે ફરિયાદીની કંપનીને દસ લાખનો ચેક આપ્યો જે પણ રિર્ટન થયો હતો. આમ આરોપીએ ફરિયાદીની કંપનીને પૈસા ના ચુકવતા ગુજરાત યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ થઈ હતી. સેટેલાઈટના બિઝનેસમેન સાથે વિદેશ ટૂરમં વિવિધ સુવિધા આપવાના નામે થયેલી ઠગાઈના મામલે પણ અરજી કર્યાના ચાર મહિના બાદ સીઆઈડી ક્રાઈમમાં આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો.
એર ટિકિટ અને ટૂર બૂકિંગના નામે અન્ય લોકોને છેતર્યાની વિગતો મળી
સીઆઈડી ક્રાઈમના સૂત્રોના જણાવ્યા મુજબ ઠગ ટોળકીનો અન્ય ભોગ બન્યાની વિગતો પણ પોલીસને મળી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અને પ્રતિષ્ઠિત લોકો સાથે એર ટિકીટ અને ટૂર બૂકિંગના નામે પૈસા લઈ છેતરપિંડી આચરતા હતા.