– વહિવટી તંત્રએ આળસ મરડી, આખરે દબાણોનો સફાયો
– સ્થાનિક મોટા રાજકીય માથાઓએ ખડકી દિધેલાં દબાણોનો પણ સફાયો કરાયો : દબાણો હટાવવા તંત્રનો એક્શન પ્લાન તૈયાર
બરવાળા : બરવાળા નગરપાલિકાનાં અમદાવાદ-ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલ ગામતળની જમીન ઉપર વર્ષોથી કરાયેલા કોમશયલ અનઅધિકૃત બાંધકામ દબાણ દુર કરાયા હતા. જેમાં મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ, પીજીવીસીએલ સહિતનાં અધિકારીઓ, કર્મચારીઓ,પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગામતળની સરકારી જમીન ઉપરના દબાણો દુર કરાતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો દબાણ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
બરવાળા નગરપાલિકા દ્વારા બુધવારે સવારથી અમદાવાદ-ભાવનગર હાઈવે રોડની જમણી બાજુએ અવેડાવાળી જગ્યાની પૂર્વ દિશા તરફ તેમજ ઉતાવળી નદીની ઉત્તર દિશા તરફ આવેલ કોમશયલ પ્રકારના ૧૫ જેટલા ગેરકાયદેસર બાંધકામવાળા એકમોને તોડી પાડવામાં આવ્યા હતા. બરવાળા નગરપાલિકા દ્વારા ગત તા. ૧૮ સપ્ટેમ્બરના નોટિસો પાઠવી અનઅધિકૃત બાંધકામ સ્વૈચ્છિક દુર કરવા હુકમ કરવામાં આવ્યા હતા. જે અન્વયે દબાણકર્તા ઈસમો દ્વારા પતરાના શેડ સ્વૈચ્છિક ઉતારી લેવામાં આવ્યાં હતા. જયારે દિવાલ તેમજ પાકું બાંધકામ નગરપાલિકા દ્વારા અનઅધિકૃત ગેરકાયદેસર ૧૫ જેટલા એકમોના દબાણો દુર કરવામાં આવ્યા હતા . બરવાળા નગરપાલિકાની ગામતળની જમીન ઉપરની જમીન ઉપર ૧૫ જેટલા કોમશયલ એકમોના ૪૫૦૦ ચો.મી. જેટલી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. બરવાળા નગરપાલિકા વિસ્તારમાં આવેલ કોમશયલ પ્રકારના ગેરકાયદેસર દબાણ દુર કરાતા દબાણકારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. બરવાળા નગરપાલિકા વિસ્તારના ગામતળની જમીન ઉપરના ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કામગીરીમાં નગરપાલિકાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. જયારે આ કામગીરી અન્વયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવવા મામલે અફવાઓ ચાલતી હતી કેમ કે, મોટા ભાગના દબાણો મોટા રાજકીય આગેવાનોના હતા જેના કારણે લોકમુખે ચર્ચા થતી હતી કે, આ તો અફવા જ છે. પરંતુ તંત્રએ કોઈની શેહશરમ રાખ્યા વગર દબાણો દૂર કરી દીધા હતા અને આગામી દિવસોમાં હાઇવે, સરકારી જમીનો અને ગૌચર પરના તમામ દબાણો દૂર કરવા સરકારી તંત્રએ માસ્ટર પ્લાન તૈયાર કરી રાખ્યો છે જેના પરિણામે દબાણ કરનાર ઈસમો ભારે દબાણની અનુભૂતિ કરી રહ્યા છે