સાવલી : સગીરાને ભગાડી જઇને બળાત્કાર ગુજારવાના કેસમાંં સાવલી પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૧ની સાલમાં નોંધાયેલી ફરિયાદના આરોપી સામે પોકસો સહિતના વિવિધ એક્ટ હેઠળ કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં કોર્ટે આરોપીને કુલ ૫૮,૦૦૦ નો દંડ અને ૨૦ વર્ષની સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી પોલીસ મથકે ૨૦૨૧ ની સાલમાં કમલેશ રાજેન્દ્ર ભાઈ વસાવા (રહે. લોટના તા. સાવલી) ની સામે સગીરાને ભગાડી જઇને બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જે સંદર્ભમાં સાવલી પોલીસે અપહરણ, બળાત્કાર તથા પોકસો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને આરોપી કમલેશને ઝડપીને જેલ ભેગો કર્યો હતો.
આ કેસ સાવલીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા સાવલી પોલીસે રજૂ કરેલા પુરાવાઓ અને સાક્ષીઓના બયાન ઉપરાંત સરકારી વકીલ સી.જી. પટેલની દલીલોને ગ્રાહ્ય રાખીને જ્જ જે.એ. ઠક્કરે આરોપી કમલેશને ૨૦ વર્ષની સજા અને ૫૦,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો. જ્યારે અપહરણના ગુનામાં ત્રણ વર્ષની સજા અને ૩,૦૦૦ નો દંડ, બળાત્કાર ના ગુનામાં પાંચ વર્ષની સજા અને ૫,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો આમ કુલ ૨૦ વર્ષની સજા અને ૫૮ હજાર નો દંડ સાવલીની કોર્ટે ફટકાર્યો છે સાથે સાથે જિલ્લા લીગલ ઓથોરિટીને પીડિતાના પરિવારને વિકટીમ કોમ્પેનસેશન સ્કીમ હેઠળ રૃ. ૪ લાખની સહાય ચૂકવવા ભલામણ કરી છે.