રાજકોટના વેપારી ૧.૫૮ લાખની છેતરપીંડીનો ભોગ બન્યા
પોર્ટમાંથી ખાંડ રૂ.૨૨ કિલોના ભાવે ખરીદવી હોય તો રજીસ્ટ્રેશન બાદ ફાઈલ પેટે ફી ના નામે વેપારીઓ પાસેથી તગડી રકમ વસુલતા હતા
ભુજ: મુંદરા પોર્ટમાં ઓક્શન વિભાગના પી.એ.ની ઓળખ આપી રાજકોટના વેપારીના ૧.૫૮ લાખ પડાવી લેતા અંજાર તાલુકાના સિનુગ્રા ગામના બે શખ્શોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટના પ્રધ્યુમનનગર પોલીસને વેપારીએ આપેલી ફરિયાદ બાદ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરાતા આરોપીઓએ અન્ય વેપારીઓને પણ છેતર્યા હોવાની કબુલાત કરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મુંદરા પોર્ટમાં ઓક્શન વિભાગના પી.એ. તરીકેની ઓળખ આપીને રાજકોટના વેપારીને છેતરવામાં આવ્યા હતા. જે અંગે પોલીસે હાથ ધરેલી તપાસ બાદ અંજાર તાલુકાના બે શખ્શોને પકડી પડાયા છે. રાજકોટ શહેરના પ્રધ્યુમનનગર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, આરોપીએ વેપારીને જણાવેલ કે, પોતે મુંદરા અદાણી પોર્ટ એકશન વિભાગમાંથી પી.એ.દિપેશભાઈ બોલે છે. અદાણી પોર્ટ ઓકશનમાંથી ખાંડ રૂ.૨૨ કિલોના ભાવે ખરીદવા વાતચીત કરી હતી અને ખાંડ ખરીદવી હોય તો પહેલા મુંદરા અદાણી પોર્ટ ઓકશન વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ફાઈલ બનાવવી પડશે તે પેટે ફી ભરવાની રહેશે. જેથી, વિશ્વાસમાં આવી ગયેલા વેપારી કુલ રૂ.૧,૫૮,૯૮૦ ફી ભરી નાખી હતી. જો કે, તે બાદ કોઈ પણ રજીસ્ટ્રેશન કે કોઈ ફાઈલ ન આપી ફરિયાદી વેપારી સાથે છેતરપીંડી આચરવામાં આવી હતી.
જેથી, આ અંગે તા. ૨૩ના રાજકોટના પ્રધ્યુમનનગર પોલીસ મથકે ફરિયાદ લખાવાઈ હતી. ફરિયાદ બાદ પી.એસ.આઈ. આર.એચ.ઝાલા તથા એલ.સી.બી.ની ઝોન- ૨ ની ટીમ બનાવાઈ હતી અને ગુન્હાનો ભેદ ઉકેલવા ટેકનિકલ સોર્સ અને સીસીટીવીના માધ્યમથી અંજાર તાલુકાના સીનુગ્રા ગામના અકબર ઓસમાણભાઈ જેઠડા અને જાન મહમદ ઈસાભાઈ મથડા હોવાનું માલુમ પડતા બંને જણાને સીનુગ્રાથી પકડી પડાયા હતા.
આરોપીઓની પુછપરછમાં તેમણે કબુલ્યું હતું કે, તેઓ મુંદરા પોર્ટમાં ઓકશન ડીપાર્ટમેન્ટના પી.એ. તરીકેની ઓળખાણ આપી અન્ય વેપારીઓ સાથે પણ છેતરપીંડી કરી છે. તેઓ અમુક ચીજવસ્તુના વેપારીઓને ફોટા મોકલતા હતા અને બાદમાં ખરીદવી હોય તો પોર્ટના ઓકશન વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તે પેટે ફી વસુલીને છેતરપીંંડી કરતા હતા.