ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 280 રનથી જીત મેળવી હતી. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેના બેટ શાંત રહ્યા હતા. હવે આ બંને ખેલાડીઓ બીજી ટેસ્ટ મેચમાં પરત ફરે તેવી આશા છે. પરંતુ, મેચ માટે પ્રેક્ટિસ કરતી વખતે વિરાટ કોહલીનું પ્રદર્શન ચિંતા વધારી રહ્યું છે.
કોહલી 4 ઓવરમાં બે વખત આઉટ થયો
ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પ્રેક્ટિસ સેશનમાં નેટ બોલર જમશેદ આલમ સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જમશેદ આલમે 4 ઓવરમાં બે વખત વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. ફાસ્ટ બોલર જમશેદ આલમે વિરાટ કોહલીની નબળાઈને પકડીને સચોટ બોલિંગ કરી હતી. બંને વખત જમશેદ આલમને આ વિકેટ આઉટ સ્વિંગ બોલ પર મળી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પણ આવી જ રીતે આઉટ થયો હતો અને તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું.
જસપ્રીત બુમરાહે કરી મસ્તી
જમશેદ આલમની સાથે વિરાટ કોહલીને પણ જસપ્રિત બુમરાહે નેટ્સમાં આઉટ કર્યો હતો. આ અવસર પર જસપ્રીત બુમરાહે વિરાટ કોહલીને પણ આડે હાથ લીધો હતો. જ્યારે વિરાટ કોહલીને જસપ્રિત બુમરાહ દ્વારા ટોણો મારવામાં આવ્યો ત્યારે તેને મજાકમાં કોહલીને કહ્યું, આ રીતે રન બનાવશે. પરંતુ આ પછી પણ વિરાટ કોહલીએ મેદાન પર પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. વિરાટ કોહલીએ 2016માં કાનપુરમાં પોતાની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. ન્યુઝીલેન્ડ સામેની મેચ રમતી વખતે તેને પ્રથમ દાવમાં 9 રન અને બીજા દાવમાં 18 રન બનાવ્યા હતા.
બોલરો રોહિતની ન લઈ શક્યા વિકેટ
નેટ બોલરે પ્રેક્ટિસ દરમિયાન ભલે વિરાટ કોહલીની વિકેટ લીધી હોય પરંતુ તેની ટીમમાં પસંદગી ચોક્કસ થશે. નેટ્સમાં પ્રેક્ટિસ કરતી વખતે વિરાટ કોહલી 3 વખત આઉટ થયો હતો. આ સાથે જ રોહિત શર્માનો એકપણ બોલર વિકેટ લઈ શક્યો ન હતો.