આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઓછો કરવા પર નિર્ણય લેવા માટે મંત્રી જૂથની પ્રથમ બેઠક આગામી 19 ઑક્ટોબરે મળશે. ટોચના અધિકારીઓએ ગુરુવારે આ અંગેની જાણકારી આપી છે. વર્તમાન સમયમાં વીમા પ્રીમિયમ ઉપર 18 ટકા જીએસટી લગાવવામાં આવે છે અને ટેક્સમાં રાહત આપવાની માંગ કરવામાં આવી રહી છે. જીએસટી પરિષદે આ મહિનાના શરૂઆતમાં પોતાની બેઠકમાં આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર ટેક્સ અંગે નિર્ણય માટે 13 સભ્યોની મંત્રી સમૂહની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી કન્વીનર છે
મળતી માહિતી અનુસાર, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ગૃપ ઑફ મિનિસ્ટર્સના કન્વીનર છે. આ જૂથમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, મેઘાલય, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણાના મંત્રીઓનો સમાવેશ થાય છે. મંત્રીઓના જૂથને ઓક્ટોબરના અંત સુધીમાં કાઉન્સિલને તેનો અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મંત્રીઓના જૂથના અહેવાલના આધારે, કાઉન્સિલ નવેમ્બરમાં તેની આગામી બેઠકમાં વીમા પ્રિમીયમના કરવેરા અંગે અંતિમ નિર્ણય લે તેવી શક્યતા છે. અધિકારીએ જણાવ્યું કે વીમા પર GST પર GoMની બેઠક 19 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાશે.
જીએસટીના માધ્યથી આટલી રકમ જમા થઈ
નાણાકીય વર્ષ-2023-24માં કેન્દ્ર અને રાજ્યોએ 8,262 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આરોગ્ય વીમા પ્રીમિયમ પર જીએસટીના માધ્યમથી 94 કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારે આરોગ્ય વીમા પ્રીમિયમ પર જીએસટીના લીધે 1,484.36 કરોડ રૂપિયા એકઠા કરાયા હતા. ઓગસ્ટમાં લોકસભામાં નાણા બિલ પર ચર્ચાના જવાબમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, જીએસટીનું 75 ટકા રાજ્યોને જાય છે અને વિપક્ષ સભ્યોને પોતાના રાજ્યના નાણાં મંત્રીઓ પાસેથી જીએસટી કાઉન્સિલમાં ઠરાવ લાવવા માટે કહેવું જોઈએ.
આ અંગે પણ સૂચનો આપવામાં આવશે
પેનલના સંદર્ભની શરતોમાં સિનિયર નાગરિકો, મધ્યમ વર્ગ, માનસિક બીમારી ધરાવતા વ્યક્તિઓ જેવી વિવિધ શ્રેણીઓ માટે વ્યક્તિગત, જૂથ, કુટુંબ ફ્લોટર અને અન્ય તબીબી વીમા સહિત આરોગ્ય/તબીબી વીમાના કર દર સૂચવવાનો પણ સમાવેશ થાય છે. ટર્મ ઈન્સ્યોરન્સ, ઈન્વેસ્ટમેન્ટ પ્લાન સાથેનો જીવન ઈન્સ્યોરન્સ, વ્યક્તિગત હોય કે જૂથ અને રિ-ઈન્શ્યોરન્સ સહિત જીવન વીમા પરના કર દરો સૂચવવાનો પણ શરતોમાં સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળ સહિત કેટલાક વિપક્ષ શાસિત રાજ્યોએ આરોગ્ય અને જીવન વીમા પ્રિમિયમ પર જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિની માંગ કરી હતી, જ્યારે કેટલાક અન્ય રાજ્યો ટેક્સ ઘટાડીને પાંચ ટકા કરવાની તરફેણમાં હતા.
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ પણ જુલાઈમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણને આ મુદ્દે પત્ર લખીને કહ્યું હતું કે જીવન વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર કર લાદવા સમાન છે.