ગઈકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સાથે વરસાદ પર વરસ્યો હતો. રાજ્યના સુરત, વડોદરા, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.
ફરી એક વખત તંત્રની કામગીરીને લઈને અનેક સવાલો
ત્યારે વડોદરામાં ગઈકાલે વરસાદ વરસ્યા બાદ ફરી એક વાર ભૂવો પડ્યો છે. શહેરના અકોટા વિસ્તારમાં વધુ એક મોટો ભુવો પડ્યો છે. આ ભૂવો 8 ફૂટ લાંબો અને 5 ફૂટ પહોળો છે, ત્યારે 5થી 7 ફૂટ જેટલો ઊંડો ભુવો પડ્યો છે. અકોટા ગાય સર્કલ પાસે જ ગત મોડી રાત્રે આ ભુવો પડ્યો છે. ત્યારે ફરી એક વખત તંત્રની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
અકોટા વિસ્તારમાં એક મહિનામાં 30 ભૂવા પડ્યા
હાલમાં તો પાલિકા દ્વારા અકસ્માત રોકવા માટે બેરીકેડ મારી દેવામાં આવ્યા છે, અકોટા વિસ્તારમાં છેલ્લા એક જ મહિનામાં 30 જેટલા ભુવા પડ્યા છે. તમને જણાવી દઈએ કે પૂર સમયે સૌથી વધુ પાણી પણ અકોટા વિસ્તારમાં ભરાયા હતા.
વડોદરામાં ગઈકાલે વાવાઝોડાએ વિનાશ વેર્યો
ઉલ્લેખનીય છે કે વડોદરામાં ગઈકાલે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. વાવાઝોડાથી ખાણીપીણીની લારીઓ રોડ પર દોડતી જોવા મળી તો ટેબલ હવામાં ફંગોળાતા હોય તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. જો કે સદનસીબે કોઈને ઈજાઓ પહોંચી નથી.
વડોદરામાં વરસાદમાં ગરબા મેદાનો પર કાદવ-કીચડ
વડોદરામાં ગઈકાલે આવેલા વરસાદના કારણે ગરબાના મેદાનો પર કાદવ-કીચડ જોવા મળી રહ્યો છે. હજુ તો ગરબા મેદાનો પર કામકાજ ચાલી રહ્યું છે. સમતળ કરેલા મેદાન પર કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલમાં હવે બુલડોઝરથી ક્વોરી ડસ્ટ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ગઈકાલે આવેલા વરસાદમાં પતરાની દીવાલ પણ તૂટી પડી હતી.
ત્યારે નવરાત્રી ફેસ્ટિવલના એડમિને નિવેદન આપતા કહ્યું કે ગઈકાલે વરસાદ વરસ્યો, તેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પોલ પર લગાવેલ લાઈટો પલળીને બગડી ગઈ છે અને પંખા સહિતનો ઈલેક્ટ્રિકનો સામાન બગડી ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હજુ પણ 3 દિવસ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હાલમાં રાજ્યમાં ઘણા ગરબા આયોજકોને વરસાદને પગલે નવરાત્રિ પહેલા જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.