ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ ઈજાના કારણે આ દિવસોમાં ટીમની બહાર છે. સ્ટોક્સ લાંબા સમયથી ઈજાથી ઝઝૂમી રહ્યો છે. જેના કારણે સ્ટોક્સ IPL 2024 પણ રમી શક્યા ન હતા. વર્ષ 2023માં ભારતમાં ODI વર્લ્ડકપ રમાયો હતો. આ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ ટુર્નામેન્ટમાં બેન સ્ટોક્સ પણ ટીમનો ભાગ હતો, પરંતુ વર્લ્ડ કપ બાદ સ્ટોક્સે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આ સિવાય ઈજાના કારણે સ્ટોક્સ T20 વર્લ્ડ કપ 2024માં રમી શક્યો ન હતો, પરંતુ હવે આ ઓલરાઉન્ડરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જે ODI ફોર્મેટમાં રમાશે.
ફોન કોલની રાહ જુએ છે સ્ટોક્સ
ખરાબ ફિટનેસના કારણે સ્ટોક્સ લાંબા સમયથી સતત ક્રિકેટ રમી શક્યો નથી. ઈજાના કારણે તેના પ્રદર્શન પર પણ અસર પડી હતી. પરંતુ હવે સ્ટોક્સે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવાનો નિર્ણય લીધો છે. જોકે, તે કોઈ ખાસ વ્યક્તિના ફોનની રાહ જોઈ રહ્યો છે.
ઈન્ટરવ્યુંમાં કર્યો ખુલાસો
ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી ત્રીજી વનડે મેચ બાદ સ્ટોક્સે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં સ્ટોક્સે કહ્યું કે મેં ઈંગ્લેન્ડ માટે ઘણી વનડે મેચ રમી છે. આ ફોર્મેટમાં મેં જે કંઈ હાંસલ કર્યું છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. આવી સ્થિતિમાં, જો કોઈ રીતે મને ટીમમાં સામેલ કરવાની યોજના હોય અને મને બ્રેન્ડન મેક્કુલમનો ફોન આવે અને મને રમવા આવવાનું કહે, તો મારો જવાબ હા હશે.
બેન સ્ટોક્સની ODI કારકિર્દી
બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે 114 ODI મેચ રમી હતી. સ્ટોક્સે 99 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 3463 રન બનાવ્યા હતા. જેમાં તેણે 5 સદી અને 24 અડધી સદી ફટકારી હતી. વનડેમાં તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ 182 રનની હતી. આ સિવાય સ્ટોક્સે બોલિંગ દરમિયાન 74 વિકેટ ઝડપી હતી. જેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 5 વિકેટ ઝડપી રહ્યું હતું.
રોહિત શર્માએ કરી હતી ભવિષ્યવાણી
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ પહેલા રોહિત શર્માએ કહ્યું હતું કે, “આ દિવસોમાં વિશ્વ ક્રિકેટમાં નિવૃત્તિ એક મજાક બની ગઈ છે. લોકો નિવૃત્તિની જાહેરાત કરે છે, પરંતુ પછી રમવા માટે પાછા આવે છે. ભારતમાં આવું બન્યું નથી. જોકે, હું ખેલાડીઓને જોઉં છું. અન્ય દેશોનાખેલાડીઓ તેમની નિવૃત્તિની જાહેરાત કરે છે પરંતુ પછી યુ-ટર્ન લે છે જેથી તમને ક્યારેય ખબર ન પડે કે કોઈ વ્યક્તિ ખરેખર નિવૃત્ત થઈ છે કે નહીં.”