એશિયા વિશ્વમાં સૌથી ઝડપભેર વિકસી રહેલું રિજિયન છે અને તમામ વૈશ્વિક મહાસત્તાઓ એશિયામાં પોતાનું વિસ્તરણ ઇચ્છે છે. ઓસ્ટ્રેલિયન થિન્ક ટેન્ક લોવી ઇન્સ્ટિટયૂટના એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટ 2024 મુજબ એશિયામાં ભારતની તાકાત વધી રહી છે અને પહેલીવાર તે જાપાનને પાછળ છોડીને ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.
અમેરિકા પહેલા અને ચીન બીજા ક્રમે છે. એશિયા પાવર ઇન્ડેક્સમાં એશિયામાં જે-તે દેશના સંસાધનો અને પ્રભાવને ધ્યાનમાં રાખીને તેમને રેન્ક આપવામાં આવે છે. સૈન્ય ક્ષમતા, ડિફેન્સ નેટવર્ક, આર્થિક ક્ષમતા અને સંબંધો, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવ, પ્રતિકારશક્તિ અને ભાવિ સંસાધનો જેવા માપદંડોના આધારે દેશોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પૈકી ભાવિ સંસાધનો 2035માં અંદાજિત આર્થિક અને સંરક્ષણ સંસાધનો અને 2050ની વર્કિંગ-એજ પોપ્યુલેશનના અંદાજોના આધારે નક્કી કરવામાં આવે છે.