અમદાવાદ જગન્નાથજીની રથયાત્રાના રૂટનું નવીનીકરણ કરવાની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં કૂલ 18 કિલોમીટરના રૂટના નવીનીકરણની કામગીરી જમાલપુરથી શરૂ કરવામાં આવી છે અને 5થી 6 તબક્કામાં આ નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
પ્રતિ તબક્કામાં આશરે 12થી 14 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે
શહેરમાં રૂટના નવીનીકરણ માટે પ્રતિ તબક્કામાં આશરે 12થી 14 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને 18 કિલોમીટરના રૂટને હેરિટેજ લુક આપવામાં આવશે. આ રૂટ પર ફૂટપાથ, રોડની ડિઝાઈન, ગાર્ડનીંગ ફોટો સ્પોટ બનાવવામાં આવશે. જો કે મહત્વની વાત એ છે કે આ સમગ્ર રૂટ દરમિયાન હેરિટેજ પ્રોપર્ટીને કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બ કરવામાં આવશે નહીં.
રૂટના નવીનીકરણ માટે મેં વર્ષ 2019થી પ્રયત્નો શરૂ કર્યા હતા: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા
રૂટ પરના મંદિર, મસ્જિદ, દરગાહ, ચર્ચ, અગિયારી જેવા ધાર્મિક સ્થળો આસપાસ પણ બ્યુટિફિકેશન કરવામાં આવશે. આ અંગે જાણકારી આપતા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે આ માટે મેં વર્ષ 2019થી પ્રયત્નો શરૂ કર્યા હતા અને તેના માટે બે-ત્રણ મિટિંગ કરીને પ્લાનિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ તેમાં થોડા સુધારા વધારાઓ પણ કરવામાં આવ્યા અને અંતે હવે ફાઈનલ પ્લાનિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તેની કામગીરીનો આરંભ પણ આજથી શરૂ થઈ ગયો છે.
હાલમાં નવીનીકરણના પ્રથમ તબક્કાની કામગીરી શરૂઆત કરવામાં આવી
પ્રથમ તબક્કાની કામગીરી હાલમાં શરૂ થઈ ચૂકી છે અને જમાલપુર મંદિરથી ખમાસા સુધી આ કામગીરી થશે. જેમાં રોડ રસ્તાઓ પણ જુના જમાના મુજબની સ્ટીટ લાઈટો અને હેરિટેજ લુક આપવામાં આવશે, જેથી જે લોકો અહીં આવશે તો તે તમામ લોકો ચોક્કસ એક યાદ પોતાની સાથે લઈને જશે તેવુ ડેવલપમેન્ટ કરવામાં આવશે તેવું ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું.
અમદાવાદની રથયાત્રા વિશ્વભરમાં જાણીતી
તમને જણાવી દઈએ અમદાવાદની રથયાત્રા વિશ્વભરમાં જાણીતી છે અને લોકો દેશ-વિદેશથી આ રથયાત્રા જોવા માટે આવતા હોય છે અને અષાઢી બીજના દિવસે આનંદ માણતા હોય છે. પોલીસ તંત્ર દ્વારા પણ રથયાત્રાને લઈને શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને કોઈ અણબનાવ ના બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે.