ગમે તેવી સ્થિતિમાં રોજ ઓછામાં ઓછા એક કલાક ઢોલક – તબલા વગાડીને રિયાઝ કરતા 40 વર્ષથી બોલિવૂડમાં કાર્ય કરતા ઢોલક પ્લેયરે ગિરીશ વિશ્વાએ એમ.એસ.યુનિ.ની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના તબલા વિભાગના વિદ્યાર્થીઓ સાથે વાતચિત કરી હતી .
પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના તબલા વિભાગ અને તબલા અલુમની એસોસિએશન લેગસી (TAAL), વડોદરાના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર લાઇટ મ્યૂઝિક આધારિત બે દિવસીય નેશનલ વર્કશોપનું આયોજન કરાયું છે. જેના પ્રથમ દિવસે રીધમ આર્ટીસ્ટ ગિરીશ વિશ્વાએ વિદ્યાર્થીઓમાં વિષયગત જ્ઞાન પિરસ્યું હતું. જેમાં તેઓએ ભાર મૂકીને જણાવ્યું હતું કે, સારા રિધમ પ્લેયર બનવા માટે તબલા શિખવા અનિવાર્ય છે અને તેની સાથે રોજનું ઓછામાં ઓછું એક અને વધારેમાં વધારે ચાર કલાક રિયાસ કરવું જ જોઇએ.
નીમૂડા નીમૂડા અને બલમ પિચકારી સહિત અનેક આઇકોનિક ગીતોમાં રિધમ આપનાર ઢોલક વાદક ગિરીશ વિશ્વાએ વિદ્યાર્થીઓ સાથે રિધમની સંગત જમાવતા જણાવ્યું હતું કે, રિધમ પ્લેયર બનવા માટે તબલા શિખવા અનિવાર્ય છે. જેનું મુખ્ય કારણ એ છે કે, તબલામાં અનેક સાઉન્ડ વેરિએશન મળી રહે છે અને તેના કારણે જ કોઇ પણ સંગીતમાં નિખાર આવે છે. અનેક રિયાલિટી શોમાં લાઇવ મ્યૂઝિક આપતા સમયે સિંગરને હું એક વાત જરૂર જણાવું છું કે મૂળ ગીતમાં વેરિએશન લાવતા સમયે તેનું મૂળ સ્વરૂપ જળવાઇ રહે તેનું સંપૂર્ણ પણ ધ્યાન રાખવું જોઇએ. હાલના સમયે પોગ્રામિંગના માધ્યમથી વેસ્ટર્ન સંગીતનું નિર્માણ કરવામાં આવે છે પરંતુ ડોલક અને તબલાના માધ્યમથી નિર્માણ થતું સગીતને તે મેચ નથી કરી શકતું. એમ.એસ.યુનિ.ના વિદ્યાર્થીઓ સાથે જ્યારે રિધમની સંગત જમાવી ત્યારે મને અનુભવાયુ કે, અહિયા શિક્ષકો દ્વાર આપવામાં આવેલી તાલીમના પરિણામે વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ ભરપૂર છે અને તેના કારણે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ચોક્કસ પણે તેઓનું અને ફેકલ્ટીનું નામ ચોક્કસ પણે રોશન કરશે.
વર્કશોપ અંગે માહિતી આપતા ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના ડિન અને તબલા વિભાગના હેડ પ્રો. ગૌરાંગ ભાવસારે જણાવ્યું હતું કે, સંગીતપ્રેમી ઉપેન્દ્ર સોનીના પ્રયાસના કારણે ઢોલક વાદક ગિરીશ વિશ્વા પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને તેઓનું જ્ઞાન પિરસી શક્યા હતા. તબલા વિભાગ દ્વાર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ પ્રવૃત્તિઓ કરાય છે. જેમાં સભા વાદન, વર્કશોપ, સેમિનાર અને લેક્ચર વગેરેનું આયોજન કરાય છે. જે માટે યુનિ.ની ગ્રાન્ટમાંથી ફંડ મળે છે. આ સાથે અનેક કાર્યક્રમો કરવામાં દાતાઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ દ્વાર અનુદાન પણ આપવામાં આવે છે.