– અંડરગ્રાઉન્ડ ટાંકામાં તેમજ ઓરડીમાં જ્વલનશીલ પ્રવાહી રાખતા હતા
– એલસીબી.પોલીસે દરોડો પાડી રૂ. 1.59 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સને ઝડપી લીધા
ભાવનગર : ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલ શ્યામ હોટલમાં એલસીબીએ દરોડો પાડી ૨૫૦૦ લિટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થા ઝડપી લઇ બે ઇસમો વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રંઘોળા ઉમરાળા રોડ પર આવેલ શ્યામ હોટલના ગ્રાઉન્ડમાં રાખેલ અંડરગ્રાઉન્ડ ટાંકામાં તેમજ હોટલની પાછળના ભાગે આવેલ ઓરડીમાં પરેશભાઈ ઉર્ફે પિયુષ જગદીશભાઈ ડાંગર અને કિશોર જગદીશભાઈ ડાંગર ( રહે. બંને રંઘોળા ) એ ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો રાખેલ છે.
આ બાતમીના આધારે એલસીબી પોલીસે શ્યામ હોટલમાં દરોડો પાડી હોટલના ગ્રાઉન્ડમાં રાખેલ અંડરગ્રાઉન્ડ લોખંડના ટાંકામાં તેમજ હોટલની પાછળની ઓરડીમાંથી મળી કુલ ૨૫૦૦ લિટર જ્વલનશીલ પ્રવાહી, કિં. રૂ. ૧,૨૫,૦૦૦, પ્લાસ્ટિકનો ટાંકો, પેટ્રોલ ડીઝલ પુરવાના મશીન, નોઝલ, નોઝલમાં ફીટ કરેલ ગન, ઇલેક્ટ્રીક મોટર તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ ૧,૫૯,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી દરોડા દરમિયાન હાજર મળી આવેલ કિશોર જગદીશભાઈ ડાંગર અને પરેશ ઉર્ફે પીયુષ જગદીશભાઈ ડાંગર ( રહે. રંઘોળા ) વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.