બંગાળની ખાડીમાં આવેલ ચક્રવાતી તોફાન ફેંગલે પુડુચેરી અને તમિલનાડુમાં ભારે તબાહી મચાવી છે. 25 નવેમ્બરે ઊભું થયેલું તોફાન 30 નવેમ્બરે પુડુચેરી પહોંચ્યું હતું. મહાબલીપુરમમાં બીચ પર 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને બંને રાજ્યોમાં ભારે વરસાદ થયો, ત્યારબાદ બંને રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. 3ના મોતના સમાચાર છે. કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના હવામાન પર પણ આ વાવાઝોડાની અસર થઈ હતી.
જોકે તોફાન થોડા કલાકોમાં નબળું પડી ગયું હતું, પરંતુ વાવાઝોડાની અસરને કારણે પાંચેય રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. એકલા પુડુચેરીમાં જ 24 કલાકમાં 48.4 સેમી પાણી પડ્યું, જેણે 30 વર્ષમાં એક દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તોડ્યો. તોફાનના કારણે ચેન્નાઈ એરપોર્ટ પણ બંધ કરવું પડ્યું હતું. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડી હતી. રદ પણ કરવી પડી હતી. શાળા-કોલેજો પણ હજુ બંધ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વાવાઝોડાની અસર 7 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને વરસાદ ચાલુ રહેશે. રાજ્ય સરકારો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
4 રાજ્યોમાં વાવાઝોડાની સૌથી વધુ અસર
ચક્રવાતી તોફાન ફેંગલની સૌથી વધુ અસર તમિલનાડુ પર પડી હતી. આ સિવાય કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને પુડુચેરીમાં પણ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. તમિલનાડુના નાગાપટ્ટિનમમાં પાણીમાં ડૂબી જવાને કારણે 800 એકરથી વધુ જમીનનો પાક નાશ પામ્યો હતો. મારક્કનમ અને કોટ્ટાકુપ્પમમાં 45 થી 50 સેમી પાણી પડ્યું હતું. કામેશ્વરમ, વિરુંધમાવાડી, પુડુપલ્લી, વેદ્રપ્પુ, વનમાદેવી, વલ્લપલ્લમ, કલ્લીમેડુ, એરાવોયલ, ચેમ્બોડી, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર, કુડ્ડલોર, વિલ્લુપુરમ, કલ્લાકુરિચી અને માયલાદુથુરાઈમાં શાળાઓ અને કોલેજો બંધ રહી હતી. ચેન્નાઈમાં ફ્લાઈટ અને ટ્રેન સેવાઓને અસર થઈ હતી. એનડીઆરએફની 7 ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી. 1500 લોકોને 2 હજાર રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા હતા.
વાવાઝોડાને કારણે પુડુચેરીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
વાવાઝોડાને કારણે પુડુચેરીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અકસ્માતો ટાળવા માટે સરકારે વીજળીની સુવિધા બંધ કરી દીધી. અનેક જગ્યાએ વૃક્ષો અને ઈલેક્ટ્રીક થાંભલા ઉખડી ગયેલા અને રસ્તા પર પડતા જોવા મળ્યા હતા. શાળાઓ અને કોલેજો બંધ રહી અને કર્મચારીઓને ઘરેથી કામ આપવામાં આવ્યું. 12 લાખ લોકોને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા હતા. સૈન્યના જવાનોએ પૂર પ્રભાવિત વિસ્તારમાંથી 100થી વધુ લોકોને બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. આંધ્રપ્રદેશના નેલ્લોર, ચિત્તૂર, વિશાખાપટ્ટનમ અને તિરુપતિમાં ભારે વરસાદ થયો હતો. 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. ઉડુપી, ચિક્કામગાલુરુ, ચિત્રદુર્ગ સહિત કર્ણાટકના 16 જિલ્લામાં વરસાદ પડ્યો. માછીમારોને દરિયા કિનારાથી દૂર રાખવામાં આવ્યા હતા.