શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે આજે કારેલીબાગ, સમા અને અકોટા વિસ્તારમાં વધુ ત્રણ ભૂવા પડવાના બનાવ બન્યાં હતા. જેને લઈ કોર્પોરેશનની કામગીરી શંકાના દાયરામાં આવી છે.
સમા વિસ્તારની જય યોગેશ્વર અને ભગીરથ સોસાયટીની વચ્ચેના જાહેર રોડ પર મસમોટો ભૂવો પડયો હતો. જેને લઈ સોસાયટીના રહિશોમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો. માટી ધસી પડવાના કારણે ભૂવો પડયો હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ વાહનોથી ધમધમતા અકોટા ખાતે ગાય સર્કલ પાસે જ મોટો ભૂવો પડયો હતો. જેને લઈ વાહન વ્યવહારને અસર પહોંચી થઈ રહી છે. જ્યારે ત્રીજો ભૂવો કારેલીબાગ શ્રાીપાદનગર સોસાયટીની બહાર પડયો હતો. સોસાયટીમાં અવરજવર કરવાના માર્ગ પર જ પડેલા ભૂવાને કારણે રહિશોને ભારે તકલીફ પડી રહી છે. નોંધનીય છે કે, ચોમાસા દરમિયાન 40થી વધુ ભૂવા પડવાના બનાવ બન્યા છે. જેમાં કારેલીબાગ અને મુજમહુડા વિસ્તારમાં અગાઉ પડેલા ભૂવાએ પાછલા તમામ ભૂવાના રેકોર્ડ તોડી નાંખ્યા હતા. અટલાદરામાં કોર્પોરેશન તંત્રના પાપે ખાડામાં બાઈક ચાલક પડયો શહેરના અટલાદરા રોડ પર કોર્પોરેશનના તંત્રના પાપે ચાલુ વરસાદમાં એક બાઈક ચાલક રોડ પર ખોદેલા ખાડામા બાઈક સાથે પડયો હતો. રોડ પર ખાડો ખોદયો હોવા છતાં તંત્ર દ્વારા સેફ્ટી માટે બેરીકેડ પણ મુકવામાં આવ્યા ન હતા. બાઈક ચાલકે જણાવ્યું હતું કે, મારી બાજુમાંથી પસાર થતા વાહન ચાલકે તેની ગાડી ડાબી સાઈડ તરફ દબાવી હતી. જેથી મેં બાઈક સાઈડ પર લેવાનો પ્રયાસ કરતાં જ ખાડામાં પડયો હતો. કોર્પોરેશન દ્વારા આવી રીતે ખાડા ખોદીને મુકી દેવામાં આવતા હોય તો બેરીકેડ પણ મુકવા જોઈએ. આ અંગે વૉર્ડ નં. 12ના નાયબ કાર્યપાલક ઈજનેર રામજી રબારીએ જવાબ આપવાથી દૂર રહ્યાં હતા.