વડોદરા મહાનગરપાલિકા હસ્તકના ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં રવિવારે રાતે મારામારી કરતાં સસ્પેન્ડ થયેલા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે તેમના આશ્રિાત, સગા – સંબંધીના નામે એકઠી કરેલી અપ્રમાણસર મિલકતની તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ સાથે એસીબીમાં લેખિત અરજી કરાઈ છે. પાર્થના ભ્રષ્ટાચારમાં ભાગીદાર કોણ? તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ અરજીમાં કરવામાં આવી છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિના એડવોકેટ શૈલેષ અમીને એ.સી.બી.માં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, વડોદરા મહાનગર પાલિકામાં સ્ટેશન ઓફિસર તરીકે નોકરી શરૂ કરનાર પાર્થ બ્રહ્મભટ્ટને વર્ષ 2019માં ચીફ ફાયર ઓફ્સિરનો ચાર્જ સોંપાયો હતો. આજે લગભગ પાંચ વર્ષ સુધીમાં પાર્થ બ્રહ્મભટ્ટે અપ્રમાણસર મિલકત તો ભેગી કરી છે, ઉપરાંત રેસકોર્ષ જેવા પોશ વિસ્તારમાં પત્નીના નામે આલીશાન બંગલો પણ બાંધ્યો છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે મ્યુનિ. કોર્પોરેશનના કરોડો રૂપિયાના ખર્ચે ફાયર અને ફ્લડ માટે સાધનોની ખરીદી કરી હતી, તેમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાની શંકા છે.
આ સિવાય મલ્ટી સ્ટોરી બિલ્ડીંગમાં ફાયર ઈક્વિપમેન્ટ લગાવવા પાર્થ ભ્રહ્મભટ્ટે નક્કી કરેલી પાંચેક કંપની પાસેથી જ સાધનો ખરીદવાનો આગ્રહ રખાતો હતો.લગભગ એક મલ્ટી સ્ટોરી બિલ્ડીંગમાં રૂ. 70 લાખ જેટલો ખર્ચ ફાયર સેફ્ટીના સાધનો, પાઈપ, મોટર અને ટાંકી વગેરેમાં થતો હતો. ઉપરાંત બિલ્ડરો પાસેથી હાઈરાઈઝ ટાવર દીઠ વહીવટ થતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
કોર્પોરેશનમાં કોન્ટ્રાકટથી લેવાતા ડ્રાઈવરો માટેના કરોડો રૂપિયાના ટેન્ડરમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરાતો હતો. કોન્ટ્રાકટના ડ્રાઈવરોનો પગાર પાલિકા ચુકવે અને કેટલાક ડ્રાઈવરો રાજકીય માણસોના ખાનગી વાહનો ચલાવવા માટે મોકલાતા હતા. ભૂતકાળમાં એ.સી.બી.ની ઝપટે ચઢેલા ચીફ્ ફાયર ઓફ્સિર હિતેશ ટાપરિયા હોસ્પિટલ, બહુમાળી મકાનો, સ્કૂલો વગેરેને એમના પુત્રની શરૂ કરાવેલી કંપની પાસેથી ફાયરના સાધનો ખરીદવા ફરજ પાડતા હતા. આ જ મોડસ ઓપરન્ડી પાર્થ ભ્રહ્મભટ્ટે અપનાવી ભ્રષ્ટાચાર કર્યો હોવાની શક્યતાઓ છે, ત્યારે ફાયર બ્રિગેડમાં વાહનો, વિવિધ મટિરિયલની ખરીદી અને એન.ઓ.સી. આપવામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ થવી જરૂરી છે.
VMCના સામાન્ય વહીવટ પાસે પાર્થ બ્રહ્મભટ્ટની મિલકતોની વિગત જ નથી.!
તા.28 જાન્યુઆરી 2023ના રોજ R.T.I હેઠળ પાલિકાના સામાન્ય વહીવટ વિભાગ પાસે ગુજરાત સેવા વર્તણુંક નિયમો અનુસાર પાર્થ બ્રહ્મભટ્ટે પ્રથમ નિમણુંક વખતે રજુ કરેલી અસ્ક્યામતોની વિગતો વકીલે માંગી હતી. તેમજ નિયમ અનુસાર વર્ષના અંતે રજુ કરવાના થતાં સ્થાવર મિલકતના પત્રકની પ્રમાણિત નકલ આપવા જણાવ્યું હતું, પરંતુ સામાન્ય વહીવટ વિભાગે આવી માહિતી નથી, તેમ કહી આપી ન હતી. આ વિગતો નહી રાખતા માટે જવાબદારો સામે પણ કાર્યવાહી કરવી જરૂરી છે.
પાર્થ બ્રહ્મભટ્ટને ભ્રષ્ટાચાર કરવાનો માર્ગ મોકળો કરી આપવા ઉપરી તરીકે ડૉક્ટરને મુક્યાં.!
મ્યુનિ.કમિશ્નરે સત્તાનો દુરુપયોગ કરી પાર્થ બ્રહ્મભટ્ટને ભ્રષ્ટાચાર કરવાનો રસ્તો મોકળો કરી આપવા તેના ઉપરી તરીકે ફાયર બ્રિગેડના ‘ફ’નું પણ જ્ઞાન નહીં ધરાવતાં આરોગ્ય અમલદાર ડૉ. દેવેશ પટેલને મુકી દીધા છે. હકિકતમાં ફાયર વિશે જાણતો હોય તેવા અધિકારીને ફાયર બ્રિગેડના વડા બનાવવા જોઈએ, પરંતુ ડૉક્ટરને ફાયરનો હવાલો આપી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ પોતાની સત્તાનો દુરુપયોગ કરવા અંગેનો ગુન્હો કરાયો છે. આ અંગે પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 મુજબ કાર્યવાહી કરવાની માંગ છે.