શહેરના હરણી- સમા લીંક રોડ પર આવેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર લલીત રાજની જમીનમાં કપાતમાં કારસ્તાન કરાયું હોવાનું બહાર આવ્યું છે.
તેમાં ઓછી કપાત લેવાની સાથે જે જગ્યા કપાતમાં લીધી તેમાં ટીપીના નક્શામાં રોડ બતાવી દેવાયો હતો અને તે રોડ પર એવો કે લલીત રાજના બંગલાની ફરતે ઓ’ આકારનો રોડ બતાવાયો હતો, પરંતુ સ્થળ પર ત્યાં રોડ જ નથી અને લલીત રાજનો બંગલાની જમીનમાં કપાત પર કબજો કરેલો હોવાનું હરણીના ખડૂત સંદીપ પટેલે આક્ષેપ કર્યો છે અને લલીત રાજ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો કેમ નોંધાતો નથી ? તેવો સવાલ કર્યો હતો.
સંદીપ પટેલે હવે પૂર્વ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને તેમની નીકટના પૂર્વ કોર્પોરેટર લલીત રાજને ખુલ્લા પાડયાં છે. સંદીપે આક્ષેપસહ કહ્યું કે, હરણી- સમા લીંક રોડ પર પરાક્રમસિંહ જાડેજાના બંગલાની બાજુમાં મોજે સમા સર્વે નં.633ની જગ્યામાં લલીત રાજનો બંગલો છે. જે કુલ જમીન 3710 ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતી હતી. જેમાં 40 ટકા કપાત લેવાને બદલે ઓછી કપાત લેવાઈ હતી અને 2229.60 ચો.મીટરનો ફાઈનલ પ્લોટ આપી દેવાયો હતો અને કપાત પેટે માત્ર 1481 ચો.મી. જમીન લેવાઈ હતી અને તે પણ ટીપીના નક્શામાં તે જમીન પર રોડ બતાવી દેવાયો હતો. તે પણ એવો રોડ કે જે લલીત રાજની જમીનને બોર્ડરને અડીને જ આપેલો હતો.
આજે ત્યાં લલીત રાજનો બંગલો છે અને તેની ફરતે ચારેતરફ રોડ નક્શામાં બતાવેલો છે. તે ‘ઓ’ આકારનો લલીત રાજના બંગલાની પરીક્રમા કરાવતો રોડ છે. પરંતુ હકિકતમાં ત્યાં કોઈ રોડ જ નથી. તે આખી કપાતવાળી જમીન લલીત રાજના બંગલાના કંપાઉન્ડમાં જ કબજે કરી દેવાયેલી છે. ત્યાં મોજે સમાના સર્વે નં.633 પૈકી 1માં લલીત રાજની સાથે રાજેન્દ્ર ત્રિવેદીની માલિકી બોલાય છે.
વડોદરાથી ગાંધીનગર ખાતે ચીફ ટાઉન પ્લાનરની કચેરી સુધી એવુ તો કેવુ સેટિંગ કરાયું કે, આ રીતે ઓછી કપાત લેવાઈ અને જે જમીન કપાતમાં લીધી તેમાં પણ રોડ બતાવી દીધો અને હકિકતમાં સ્થળ પર કોઈ રોજ જ નથી.
જો તે જમીન કપાતમાં આપી હોય અને તેમા રોડ હોય તો તે રોડનો ઉપયોગ કરવાનો જાહેર જનતાને અધિકાર છે. પંરતુ જાહેર જનતાના વાપર ઉપયોગ માટેનો તે રોડ લલીત રાજના બંગલાના કંપાઉન્ડમાં પ્રાઈવેટ ઉપયોગ કરાઈ રહ્યો છે. ત્યારે સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરનારાઓ સામે તવાઈ લાવવા રાજ્ય સરકારે જે લેન્ડ ગ્રેબીંગ એક્ટ લાવ્યા છે તે એક્ટનો ઉપયોગ કરીને સરકાર ભાજપના જ નેતાઓની સામે સપાટો કેમ બોલાવતી નથી ? કેમ લલીત રાજ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતો નથી ? તેવો સવાલ સંદીપ પટેલે ઉઠાવ્યો છે. સંદીપે એવો પણ આક્ષેપ
કર્યો હતો કે, રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ મંત્રી હતા ત્યારે પૂર્વ કોર્પોરેટર લલીત રાજના હાથમાં જાણે જાદુની છડી આવી ગઈ હતી કે રીતે કપાત કરાઈ હતી?