શહેરના વાડી સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે આવતી સગીરા સાથે લગાતાર 3 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનારા વોન્ટેડ પૂર્વ કોઠારી સ્વામી જગત પાવન દાસની ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી ઝડપી પાડવા માટે કાનૂની બાધ ના નડે તે માટે વાડી પોલીસે અદાલતમાંથી 70 મુજબનું વોરંટ મેળવ્યું હોવાનું જાણવા મળ્યુ છે.
સમગ્ર પ્રકરણ ઉપર નજર કરીએ તો ગત જૂન મહિનામાં વાડી પોલીસ સ્ટેશનમાં પૂર્વ કોઠારી સ્વામી જગત પાવન દાસ સ્વામી સામે દુષ્કર્મની એફ.આઈ.આર. નોંધાઈ હતી. ભોગ બનનાર માંજલપુરની યુવતી હાલમાં 23 વર્ષની છે. પરંતુ જયારે તેની સાથે દુષ્કર્મ થયું હતું ત્યારે તેની ઉંમર 14 વર્ષ અને 11 મહિના હતી. કિશોરી તેના પિતા સાથે વાડી સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે જતી હતી. ત્યારે આ મંદિરના કોઠારી સ્વામી જગત પાવનદાસે તા. 10મી સપ્ટેમ્બર 2016થી તા. 30મી નવેમ્બર 2019 સુધીના સમયગાળામાં અનેક વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. અને માંજલપુર ખાતેની સ્કૂલમાં ભણતી પીડિતાને મળવા માટે સ્કૂલે જઈને ગર્ભ નિરોધક ગોળીઓ આપી આવ્યા હતા. અનેક વખત ન્યૂડ વીડિયો કૉલ કર્યા હતા અને ન્યૂડ ફોટોગ્રાફ વાઈરલ કરવાની ધમકી આપી હતી. ગત જૂન મહિનામાં વાડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મી પૂર્વ કોઠારી સ્વામી સામે એફ.આઈ.આર. નોંધાઈ હતી. આ પ્રકરણમાં બંન્ને પક્ષે મ્યુચ્યલ કન્સેટ સાથે હાઈકોર્ટમાં ક્વૉશિંગ પિટીશન દાખલ થઈ હતી. પરંતુ અકળ કારણોસર પક્ષકારોએ પિટીશન પરત ખેંચી હતી. આરોપી જગત પાવન દાસ સ્વામી પોલીસ રેકોર્ડ ઉપર નાસતા ફરે છે. અંડર ગ્રાઉન્ડ થઈ ગયેલા વાડી સ્વામી નારાયણ મંદિરના પૂર્વ કોઠારીની ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી ઝડપી પાડવા માટે કાનૂની બાધ ના નડે તે માટે પોલીસ દ્વારા અદાલતમાંથી 70 મુજબનું વોરંટ મેળવ્યુ હોવાનું એક ઉચ્ચ પોલીસ અધિકારએ જણાવ્યું છે.