વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી ફરી એક વખત વધવાના કારણે પાલિકામાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. મેયર પિન્કીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિત અધિકારીઓની બેઠક મળી છે.
નદીની સપાટી 22 ફૂટે પહોંચશે તો સ્થળાંતર શરુ કરાશે
સીસીસી કમાન્ડ સેન્ટર ખાતે બેઠક યોજ્યા બાદ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી. વિશ્વામિત્રી નદી 17 ફૂટની સપાટીએ છે. જો આ સપાટી વધીને 22 ફૂટે પહોંચશે તો ત્યારબાદ નિચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવશે. ત્યારે જો નદીની સપાટી 26 ફૂટે ભયજનક લેવલ પહોંચશે તો સ્થળાંતર સહિત તમામ કામગીરી વેગવંતી બનશે.
હાલ કોઈ અફવામાં આવવું નહીંઃ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા
તમને જણાવી દઈએ કે નદીની સપાટી 30 ફૂટના લેવલ આવે તો પુર જાહેર કરવામાં આવતું હોય છે પણ જો એક સાથે 4થી 5 ઈંચ વરસાદ વરસે તો જ ચિંતાનો વિષય છે. હાલમાં શહેર અને ઉપરવાસમાં વરસાદ ધીમો છે. શિક્ષણ સમિતિની શાળાઓ અને બસ તૈયાર રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. અગાઉ પુરના અનુભવ મુજબ ઝડપી કામગીરી થશે. હાલમાં કોઈએ અફવામાં આવવું નહીં અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
વિશ્વામિત્રી નદી પરના દબાણો તોડી પાડવાની ઘટના
પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી પરના 13 દબાણો તોડી પાડવા મામલે વડોદરા વાસીઓએ કહ્યું કે હજુ પણ નદી પર મોટા દબાણો છે. ભીમનાથ બ્રિજ પાસેની સયાજી હોટલ, પરશુરામ ભઠ્ઠા પાસે આવેલી દર્શનમની બિલ્ડીંગનું નામ જ દબાણોના સર્વેમાં નથી. આ બંને પર કાર્યવાહી કરવાની માગ સ્થાનિકો કરી રહ્યા છે. નાગરિકો કહી રહ્યા છે કે નેતાઓ અને મળતિયાઓના ઈશારે આ બંને બાંધકામ નજરમાં ના આવ્યા અને 10 ટકા કામગીરી નહીં 100 ટકા કામગીરી થશે તો જ નદીના પુર રોકાશે.
વડોદરાની ઈન્દીરા નગરી જળબંબાકાર
વડોદરાની ઈન્દીરા નગરીમાં વિશ્વામિત્રીના પાણી ફરી વળતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આખી રાત રહીશોને જાગરણ થયું છે. વહેલી સવારે વસાહતમાં વધુ પાણી આવ્યું. રહીશોએ સરસામાન લારીઓમાં મૂકવાની ફરજ પડી હતી. પાલિકા દ્વારા કોઈ સુવિધા નહીં મળતી હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો.