વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બ્રાઝિલના પ્રવાસે છે. સોમવારે તેમણે રિયો ડી જાનેરોમાં જી20 સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી. તેની માહિતી PM મોદીએ ટ્વીટ કરીને આપી છે.
અન્ય દેશના વડાઓ સાથે પણ વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત
જો બાઈડેન સાથેની તસવીર ટ્વીટ કરતી વખતે વડાપ્રધાને લખ્યું કે તમને મળીને હંમેશા આનંદ થાય છે. આ દરમિયાન પીએમએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સહિત ઘણા દેશોના વડાઓ સાથે મુલાકાત કરી છે.
PM મોદી નાઈજીરિયાથી પહોંચ્યા બ્રાઝિલ
વડાપ્રધાન હાલ તેમના ત્રણ દેશોના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા છે. PM મોદી 16થી 21 નવેમ્બર સુધી નાઈજીરિયા, બ્રાઝિલ અને ગયાનાની 5 દિવસીય મુલાકાત પર છે. PM મોદી નાઈજીરિયાના પ્રવાસ બાદ સોમવારે બ્રાઝિલ પહોંચ્યા હતા. રિયો ડી જાનેરો પહોંચતા ભારતીય સમુદાય દ્વારા તેમનું સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 2014 અને 2019માં બ્રિક્સ સમિટ બાદ PM મોદીની બ્રાઝિલની આ ત્રીજી વખતની મુલાકાત છે.
શું છે G20?
G20 એક આંતરરાષ્ટ્રીય મંચ છે, જેમાં 19 દેશ અને યુરોપિયન યુનિયન (EU) સભ્યોનો સમાવેશ થાય છે. તેનો મુખ્ય હેતુ વૈશ્વિક અર્થતંત્ર, નાણાકીય સ્થિરતા, આબોહવા પરિવર્તન અને અન્ય મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા અને સહયોગ કરવાનો છે. G20એ વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે અને તે વૈશ્વિક નીતિ બનાવવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.
તમને જણાવી દઈએ કે G20ની રચના વર્ષ 1999માં કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક નાણાકીય કટોકટીને નિયંત્રિત કરવાનો અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો હતો. આ કોન્ફરન્સ દર વર્ષે યોજવામાં આવે છે અને તેમાં સભ્ય દેશોના વડાઓ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થાય છે. ગયા વર્ષે ભારતે જી20ની મેજબાની દિલ્હીમાં કરી હતી.
જી20માં આ દેશો છે સામેલ
- આર્જેન્ટિના
- ઓસ્ટ્રેલિયા
- બ્રાઝીલ
- કેનેડા
- ચીન
- ફ્રાન્સ
- જર્મની
- ભારત
- ઈન્ડોનેશિયા
- ઈટાલી
- જાપાન
- મેક્સિકો
- રશિયા
- સાઉદી અરેબિયા
- દક્ષિણ આફ્રિકા
- દક્ષિણ કોરિયા
- તુર્કી
- યુકે (યુનાઇટેડ કિંગડમ)
- યુએસએ (યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા)
- આ ઉપરાંત યુરોપિયન યુનિયન (EU) પણ તેમાં સામેલ છે