ભારતે યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનને ફરી એકવાર રોકડું પરખાવ્યું છે. કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ યુએનમાં કહ્યું કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળે ફરી એકવાર આ મંચનો ઉપયોગ જુઠાણું ફેલાવવા માટે કર્યો છે. તેમણે કાશ્મીરનો મુદ્દો યુએનમાં બિનજરૂરી રીતે ઉઠાવવાના પાકિસ્તાનના વારંવારના પ્રયાસોની સખત ટીકા કરી હતી.
પાકિસ્તાનને ખરીખોટી સંભળાવતા શુક્લાએ કહ્યું કે પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા સતત પ્રયાસ કરે છે. સાથે જ ખોટી માહિતી ફેલાવે છે જ્યારે વાસ્તવિક હકીકત કંઈક જુદી જ છે. ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવી એ પાકિસ્તાની પ્રતિનિધિમંડળની જાણે આદત બની ગઈ છે. ત્યાં સુધી કે તે આ મંચ પર પણ ખોટું બોલે છે. હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે વાસ્તવિક લોકતાંત્રિક દેશ અલગ રીતે કામ કરે છે. તાજેતરમાં થયેલી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરના લોકોએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કર્યું. તમે ગમે તેટલા જુઠાણા ફેલાવો, વાસ્તવિક હકીકત બદલાવાની નથી.
યુએનની ચોથી સમિતિની સામાન્ય ચર્ચામાં રાજ્યસભા સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું કે એક પ્રતિનિધિમંડળે ફરી ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવા આ સન્માનિત મંચનો ઉપયોગ કર્યો છે. આ પ્રતિનિધિમંડળ માટે આ મંચ પર ખોટી અને ભ્રામક માહિતીનો સહારો લેવો આદત બની ગઈ છે. આ કોઈપણ હિસાબે ચલાવી લેવાય તેમ નથી.