રાજસ્થાનના હનુમાનગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હનુમાનગઢ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એક અજાણ્યો વ્યક્તિ સ્ટેશન માસ્તરને પત્ર આપીને ચાલ્યો ગયો. પત્ર વાંચીને જાણવા મળ્યું કે, સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખેલી હતી. મળતી માહિતી મુજબ આ પત્ર પીળા રંગના પરબિડીયામાં મોકલવામાં આવ્યો હતો.
જેહાદીઓના મોતનો અમે બદલો લઈશું
મળતી માહિતી મુજબ 30 સપ્ટેમ્બરના રોજ હનુમાનગઢ પોસ્ટ ઓફિસ દ્વારા આ પત્ર પર સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હતો. જે કાગળ પર પત્ર લખાયો છે તે ખૂબ જૂનો છે. પત્રમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં લખ્યું છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા જેહાદીઓના મોતનો બદલો લઈશું. પત્ર લખનાર વ્યક્તિએ તેનું નામ એરિયા કમાન્ડર મોહમ્મદ સલીમ અંસારી હોવાનું જણાવ્યું છે.
સ્ટેશન પર પહોંચી GRP અને RPFની ટીમ
આ પત્રમાં 30 ઓક્ટોબરે હનુમાનગઢ ઉપરાંત અનેક રેલવે સ્ટેશન અને 2 નવેમ્બરે ઉજ્જૈન મહાકાલ મંદિર, જયપુરના અનેક ધાર્મિક સ્થળો સહિત અનેક સ્થળોને ઉડાવી દેવાની ધમકી લખવામાં આવી છે. આ પત્ર સામે આવ્યા બાદથી જ ખળભળાટ મચી ગયો છે. પત્રની જાણકારી મળતા જ GRP, RPF, જંકશન પોલીસ સ્ટેશનની ટીમ સ્ટેશન પર પહોંચી ગઈ છે અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
અજાણ્યા વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ
આ સાથે સ્ટેશન અને આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે. પત્ર આપનાર અજાણ્યા વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે. ASP પ્યારેલાલના જણાવ્યા અનુસાર આ મામલાની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી
આ અગાઉ અમદાવાદની સ્કૂલ બાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોઈ અજાણ્યા ઈ-મેઇલ આઇડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.