જામનગર દરેડ બીઆરસી ભવનમાં પુસ્તક પલળવાનો મામલો વધુ ઘેરો બન્યો છે,દરેડ બીઆરસી ભવનમાં પુસ્તકો પલળ્યા બાદ ગાંધીનગરથી તપાસના આદેશ આપ્યા બાદ તપાસ સમિતિની રચના કરાઇ હતી અને એક સપ્તાહમાં સમિતિ દ્વારા રિપોર્ટ સોંપવાનો હતો.ત્યારે અંદાજીત એક મહિના જેટલો સમય વિતી ગયા હોવા છતાં તપાસનો રિપોર્ટ રજૂ ન થતાં શાસનાધિકારી ( મુખ્ય તપાસ અધીકારી )ને સવાલો પૂછતા અમુક વિસ્ફોટક માહિતીઓ સામે આવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
તપાસની આધાર પુરાવાઓની ફાઈલ ડીપીઓ કચેરીમાંથી ગુમ
બીઆરસી કોર્ડીનેટરના નિવેદનો અને આધાર પુરાવાઓ લેવામાં આવ્યા હતા.અને તેની ફાઈલ ડીપીઓ કચેરીમાં તપાસ અધિકારી દ્વારા ત્યાં સોંપવામાં આવેલી હતી.તે ફાઈલ ડીપીઓ કચેરીમાંથી ગુમ થઈ હોવાનો તપાસ અધિકારીએ આક્ષેપ કર્યો છે.જે ફાઇલમાં આધાર પુરાવાઓ હતા તે ફાઈલને એકાએક પગ આવી ગયા હોય તેમ ગુમ થયેલી ફાઈલ ફરીથી બીઆરસી કોર્ડીનેટર પાસે પહોંચી ગઈ હોવાનું ફાલ્ગુની પટેલ શાસનાધિકારી જણાવી રહ્યા છે.આધાર પુરાવાઓની ફાઈલ ગુમ થાય તો ક્યા આધારે તપાસ ચલાવવી તેમ ફાલ્ગુની પટેલ દ્વારાવાતચીત જણાવવામાં આવ્યું હતું.
અધિકારીનો થાય છે બચાવ
બીઆરસી ભવનમાં થયેલી બેદરકારીને કારણે બાળકોના પુસ્તકો પલળી ગયા હતા અને તે બેદરકારી દાખવનાર વ્યક્તિને સજા આપવાના બદલે તેને બચાવના કોઈ દ્વારા સક્ષમ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.તપાસનીશ અધિકારી અને સમિતિના સભ્યો અલગ અલગ રીતે તપાસ ચલાવી રહ્યા છે. આ સાથેની વાતચીતમાં ફાલ્ગુની પટેલે જણાવ્યું છે કે જો તપાસની આધાર પુરાવાઓ અને નિવેદનોની ફાઈલ ગુમ થઈ અને આરોપી પાસે કઈ રીતે પહોંચી ? તે પણ એક ખૂબ મહત્વનો અને ગંભીર સવાલ છે. આધાર પુરાવાઓની ફાઈલ તપાસ સમિતિના સભ્યોએ જ બીઆરસી કોર્ડીનેટરને આપી કે અને કોઈએ? તે બાબતે પણ જો નિષ્પક્ષ તપાસ થાય તો સત્ય બહાર આવી શકે છે.
અધિકારી વિરુદ્ધ કરો કાર્યવાહી
સરકારી કચેરીમાંથી આટલા ગંભીર કાળજી દસ્તાવેજોની ફાઈલ ગુમ થવી અને તે ફાઈલ જે વ્યક્તિ વિરુદ્ધ તપાસ ચાલે છે તેના સુધી પહોંચી જવી તે કોઈને બચાવવા માટેના સક્ષમ પ્રયાસ કચેરીમાંથી જ કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે વિદિત થાય છે. સરકારી કચેરી માંથી આ રીતે ફાઈલ ગુમ થવી તે ખૂબ જ ગંભીર બાબત છે જેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. જે બાબતમાં ગાંધીનગર કક્ષાએથી તપાસના આદેશો સોપાયા હોય તે તપાસમાં કસુરવારને બચાવવા માટે ઢાંકપીછોડા કરવામાં આવે તો તે સરકારી દસ્તાવેજો સાથે તો છેડછાડ કરાઈ જ છે સાથે સાથે ગાંધીનગર વિભાગને પણ જે તે વ્યક્તિ દ્વારા ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યંત ગંભીર અને સેન્સેટિવ બાબતમાં નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.