રાજકોટમાં એક સપ્તાહમાં રોગચાળો વકર્યો છે. જેમાં ગત સપ્તાહના કરતા 3 ગણા દર્દીઓ નોંધાયા છે. રાજકોટ સિવિલમાં 8 હજારથી વધુ OPDમાં દર્દીઓ આવ્યા છે. જેમાં ડેન્ગ્યુ, શરદી, ઉધરસ અને તાવના કેસ વધ્યા છે. ખાનગી દવાખાનામાં પણ દર્દીઓ ઉભરાયા છે. શહેરમાં એક સપ્તાહમાં રોગચાળો બેફામ રીતે વકર્યો છે.
ત્રણ ગણા દર્દીઓ હોસ્પિટલોમાં નોંધાયા
ગત સપ્તાહના રાજકોટમાં ત્રણ ગણા દર્દીઓ હોસ્પિટલોમાં નોંધાયા હતા. સિવિલ હોસ્પિટલમાં 8 હજાર કરતા વધુ ઓપીડી નોંધવામાં આવી છે. ડેન્ગ્યુ, શરદી, ઉધરસ અને તાવના કેસમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે. ખાનગી દવાખાનામાં પણ દર્દીઓની મોટી સંખ્યા નોંધાઈ રહી છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના ચોપડે હજુ ગણતરીના દર્દીઓની જ નોંધ કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહમાં મનપાની આરોગ્ય શાખામાં નોંધાવેલા રોગચાળાના આંકડા જોઈએ તો તા.23થી તા.29 સપ્ટેમ્બર દરમિયાન ડેન્ગ્યુના 32, શરદી ઉધરસના 1174, સામાન્ય તાવના 637, ઝાડા ઉલ્ટીના 230 તેમજ કમળાના તાવના નવા બે કેસ નોંધાયા છે.
શહેરમાં જે વિસ્તારોમાં રોગચાળો વધુ વકર્યો
શહેરમાં જે વિસ્તારોમાં રોગચાળો વધુ વકર્યો છે. તેવા વિસ્તારોમાં પ્રત્યેક મકાનોમાં ફોગિંગ, પોરાનાશક કામગીરી કરવા તંત્ર ઉધેમાથે થયું છે. એવા વિસ્તારો જ્યાં મચ્છરની ઘનતા વધુ ત્યાં વ્હિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરાઈ રહી છે. તેમજ બગીચા, મુખ્ય મંદિરો, ખુલ્લા પ્લોટ, સંવેદનશીલ સોસાયટી, સરકારી શાળાઓ ઉપરાંત જાહેર રસ્તાઓ અને વધુ માનવસમુદાય એકઠો થતો હોય એવા વિસ્તારોને ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવાયા છે. ડેન્ગ્યુ રોગને અટકાવવા માટે મકાનો, દૂકાન, કોર્મશિયલ કોમ્પલેક્સ, એપાર્ટમેન્ટ, ઔદ્યોગિક એકમો સહિતના વિસ્તારોમાં જ્યાં મચ્છરોની ઉત્પત્તિના સ્થાનો જોવા મળશે ત્યાં મચ્છર ઉત્પત્તિ અંગેની નોટિસ આપવામાં આવશે અને વહિવટી ચાર્જ વસુલવામાં આવશે.