Gujarat Bird Diversity Report : રાજ્યના અનેક સ્થળ એવા છે જ્યાં વિવિધ પ્રકાર અને પ્રજાતિના પક્ષીઓ વધુ જોવા મળે છે. પક્ષી પ્રેમીઓ આવા સ્થળે જઈ ફોટોગ્રાફી કરવાનું વધુ પસંદ કરે છે. ઘણા યાયાવર પક્ષીઓ અનુક સિઝનમાં ખાસ આવે છે ને કેટલાક મહિના રોકાય છે અને પછી પોતાના પ્રદેશ કે દેશમાં ચાલ્યા જાય છે. આવા પક્ષીઓ કયા દેશ કે રાજ્યમાં વધુ જાય છે અને ક્યાં રોકાય છે તેના આધારે એક રિપોર્ટ તૈયાર કરાય છે. જેનું નામ છે બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ. વર્ષ 2023-24ના રિપોર્ટમાં ગુજરાત પણ પક્ષીઓ માટે સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે.
બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ જાહેર કરાયો
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ રાજ્યને લગતો બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ જાહેર કર્યો. રિપોર્ટના આધારે તેમણે કહ્યું કે ‘વન્ય જીવ સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, ગુજરાતમાં આશરે 18 થી 20 લાખ જેટલા વિવિધ પ્રજાતિના પક્ષીઓ વસવાટ કે રોકાણ કરે છે.
દ્વારકામાં 456 પ્રજાતિઓ, કચ્છમાં સૌથી વધુ 4.56 લાખ પક્ષીઓ
રાજ્યમાં દર વર્ષે વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળતા હોય છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 456 પ્રજાતિના પક્ષીઓની વિવિધતા જોવા મળી છે. જ્યારે કચ્છ જિલ્લામાં 161 પ્રજાતિઓના 4.56 લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યાં છે. જેના કારણે પક્ષીઓના જતન, વિસ્તાર અને સુરક્ષા ક્ષેત્રે ગુજરાતે એક આગવી છાપ ઉભી કરી છે.
આ પણ વાંચો : અમદાવાદના ચાણક્યપુરીમાં આતંક મચાવનાર 5 લોકોની ધરપકડ, કડક કાર્યવાહી કરવા આદેશ!
અમદાવાદ જિલ્લામાં 250 થી વધુ પ્રજાતિઓના 3.65 લાખથી વધુ પક્ષીઓ
ગુજરાત દરિયાઈ કિનારામાં સ્થાનિક અને યાયાવર પક્ષીઓ જોવા મળે છે, ત્યારે માર્શ ફ્લેમિંગો, પેલિકન અને ક્રેન્સ પક્ષીઓને જામનગરની આબોહવા અનુકૂળ આવે છે, ત્યારે જામનગરમાં 221 પ્રજાતિઓના 4 લાખથી વધુ પક્ષીઓ જોવા મળે છે. જ્યારે અમદાવાદમાં પણ 250 થી વધુ પ્રજાતિઓના 3.65 લાખથી વધુ પક્ષીઓ આવે છે.
રાજ્યના આ સ્થળો છે પક્ષીઓની પસંદગીની જગ્યા
બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ 2023-24 પ્રમાણે, નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્સમાં 1 લાખથી વધુ પક્ષીઓનું રહેણાક છે. જ્યારે ‘રામસર સાઈટ’ની વાત કરીએ તો, કચ્છના છારી ઢંઢમાં 150થી વધુ પ્રજાતિના 30 હજારથી વધુ પક્ષીઓ માટે કુલ 22,700 હેક્ટર જમીન પર પક્ષીઓનું સુરક્ષિત નિવાસસ્થાન છે. જ્યારે તેમાં નળ સરોવર અને ખીજડિયા પક્ષી અભ્યારણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમાં નળ સરોવર ખાતે 228 પ્રજાતિઓના પક્ષીઓ અને ખીજડિયામાં 200થી વધુ પ્રજાતિના પક્ષીઓનું તલસ્પર્શી નિરીક્ષણ કરાયું હતું. 3.62 લાખ પક્ષીઓ નળ સરોવર અને 1.50 લાખથી વધુ પક્ષીઓ ખીજડિયા ખાતે જોવા મળે છે.
આ પણ વાંચો : ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય, 245 કરોડના ખર્ચે કરાશે આ કામ
કેવી રીતે ભેગો કરાય છે પક્ષીઓનો ડેટા?
સરકાર દ્વારા યાયાવર પક્ષીઓના સર્વેક્ષણ માટે eBird પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. જેમાં પક્ષી સંબંધિત વિવિધ ટેડા એકત્રિત કરવામાં આવે છે. પક્ષીઓના સર્વેક્ષણ સંબંધિત માહિતી મેળવીને આ પ્લેટફોર્મમાં આવેલી 398 eBird ચેકલિસ્ટમાંથી 300થી વધુ પ્રજાતિના પક્ષીઓનું રજીસ્ટ્રેશન કરાયું છે. જેમાં કચ્છ, જામનગર, બનાસકાંઠા, અમદાવાદ, પોરબંદર, સુરત, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાયાવર અને સ્થાનિક પક્ષીઓનો અભ્યાસ કરીને ડેટા મેળવવામાં આવ્યો છે.
હિમાલયથી પણ ગુજરાત આવે છે પક્ષીઓ
વન મંત્રીએ કહ્યું કે, ‘કચ્છના રણ વિસ્તારમાં સ્થાળાંતર ઋતુ દરમિયાન હજારો ગ્રેટર ફ્લેમિંગોનું આગમન થાય છે. જ્યારે ગુજરાતમાં આવેલા આવેલા નળ સરોવર, નડા બેટ, થોળ, બોરીયા બેટ સહિતના સ્થળોએ આશરે 50 હજારથી વધુ સ્થાનિક અને વિદેશી પક્ષીઓ આવતા હોવાથી પક્ષીઓના હોટસ્પોટ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં યાયાવર બાર-હેડેડ હંસનું 7000 મીટરથી વધુ ઊંચાઈ એટલે કે હિમાલય પરથી પ્રવાસ અર્થે દર વર્ષે શિયાળામાં આગામન થતું હોય છે.’
આ પણ વાંચો : સોમનાથમાં ડિમોલિશનનો મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો, તાત્કાલિક સુનાવણી કરવાની માગ
આગામી મહિનામાં થશે વન્ય જીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી
આગામી 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ગુજરાત સહિત ભારતભરમાં ‘વન્ય જીવ સંરક્ષણ સપ્તાહ’ની ઉજવણી કરાશે. રાજ્યમાં પશુ-પક્ષીઓની સુરક્ષા અને કાળજી માટે સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. આવા અભિયાનોથી પણ રાજ્યમાં પક્ષીઓનું આગમન વધ્યુ હોવાનો દાવો કરવામાં આવે છે.