મુંબઈ : ઘરઆંગણે ટ્રેડરો પાસે પૂરતો સ્ટોકસ જમા પડયો છે અને ફુગાવો એક અંકમાં છે ત્યારે ઘઉંની આયાત ડયૂટી ઘટાડવાની કોઈ દરખાસ્ત નહીં હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત સરકાર પોતાના સ્ટોકસમાંથી ખુલ્લા બજારમાં ઘઉં વેચવાની પણ હાલમાં કોઈ યોજના ધરાવતી નથી.
ઊંચા ભાવને ધ્યાનમાં રાખી ગયા નાણાં વર્ષમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)એ એક કરોડ ટન ઘઉંનું વેચાણ કર્યું હતું. હાલમાં ઘરઆંગણે ઘઉનો આવશ્યકતા પ્રમાણે પૂરવઠો થઈ રહ્યો છે અને ભાવ પણ નિયંત્રણ હેઠળ છે માટે ડયૂટી ઘટાડી આયાત વધારવાની આવશ્યકતા નથી. એફસીઆઈ પાસે હાલમાં ૨.૨૯ કરોડ ટન ઘઉંનો સ્ટોક પડયો છે જ્યારે ટ્રેડરો તથા સ્ટોકિસ્ટો પાસે ૯૦ લાખ ટન માલ જમા છે.
ઘઉં પર હાલમાં ચાલીસ ટકા ઈમ્પોર્ટ ડયૂટી લાગુ છે. દેશમાં ઘઉંની ઉપલબ્ધતા વધારવા મે ૨૦૨૨થી ઘઉંની નિકાસ પર નિયમન મૂકવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં ઘઉંનો ફુગાવો ૬.૭૦ ટકા રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં ચોખાના વિપુલ ઉત્પાદનને ધ્યાનમાં રાખી સરકારે ચોખાની નિકાસ અંગેના વિવિધ નિયમનો હાલમાં હળવા કર્યા છે.