200 કરોડના ખર્ચે મોકરસાગરને વિકસાવવાનું મોદીના હસ્તે ખાતમુહૂર્ત પોરબંદર જિલ્લાને બે લાભ: વિશ્વસ્તરીય ઇકો ટૂરિઝમ સ્થળ તરીકે મળશે નામના, પીવાનાં પાણીની પણ ઉપલબ્ધિ
પોરબંદર, : આજે અમરેલીના લાઠી ખાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોરબંદર જિલ્લાને જે બે મહત્વના લાભ આપ્યા મોકરસાગર વેટલેન્ડને ૨૦૦ કરોડના ખર્ચે વિકસાવવા માટેની યોજનાનું તેમણે ઓનલાઇન ખાતમુહૂર્ત કર્યુ છે અને નાવડાથી ચાવંડની બલ્ક પાઇપલાઇન પ્રોજેકટથી પોરબંદર જિલ્લાને પણ પીવાનું પાણી મળશે.
પોરબંદરને પક્ષીનગરની ઉપમા આપવામાં આવી છે કારણ કે, અહીંયા દેશ-વિદેશના લાખો પક્ષીઓ શિયાળા દરમિયાન જુદા-જુદા વેટલેન્ડ ઉપર ઉતરી આવે છે જેમાં મોકર સાગર વેટલેન્ડ તો અલગ જ મહત્વ ધરાવે છે. ગોસાબારા નજીકના મોકરસાગર વેટલેન્ડમાં શિયાળા દરમ્યાન અંદાજે બે લાખથી વધુ પક્ષીઓનો કલબલાટ સાંભળવા મળે છે. મોકરસાગરને 200 કરોડના ખર્ચે વિશ્વ સ્તરીય રીતે વિકસાવવાની યોજનાનો શુભારંભ થયો છે. મોકરસાગર ખાતે કર્લી રિચાર્જ જળાશયનો વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકો ટૂરિઝમ સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે.
આ વેટલેન્ડ પક્ષી પ્રેમીઓ અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર સહિત નગરજનો અને પર્યટકો માટે સ્વર્ગ સમાન છે પરંતુ ગોસાબારાથી મોકર સાગર થઈને મોકર ગામ સુધી જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. વર્ષો પહેલા બનાવાયેલા સિમેન્ટ રોડનું હવે ક્યાંય અસ્તિત્વ જોવા મળતું નથી, રોડ ઉપર કાંકરીઓ ઉડી રહી છે જેના કારણે ટુ-વ્હીલર સ્લીપ થઈ જાય છે. જળપ્લાવિત વિસ્તાર પાસેના સિમેન્ટના આખેઆખા પોપડા ઉખડી ગયા છે જેથી વાહન ચાલકોને ત્યાં પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. અહીંયા પાંચ કિલોમીટર સુધીના રોડ ઉપર સ્ટ્રીટલાઇટની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. વર્ષ 2016માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના હસ્તે અહીંયા બર્ડ વોચિંગ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ પછી બર્ડ વોચિંગ ટાવરના જતન અને જાળવણી માટે સરકાર ઉણી ઉતરી હોવાથી હાલમાં આ ટાવર ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયા છે, પગથિયા તૂટી ગયા છે અને તેની દીવાલો પણ જર્જરીત બની ગઈ છે. ત્યાં કેટલીક અનૈતિક પ્રવૃત્તિઓ અને ગોરખધંધા થતા હોવાની આશંકા છે. અહીંયા વનવિભાગે ત્રણ વર્ષ પહેલા પ્રવાસીઓ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓને ઓળખી શકે તે માટે પક્ષીઓની તસ્વીર સાથેના બોર્ડ લગાવ્યા હતા પરંતુ એ બોર્ડ પણ હવે ક્યાંય નજરે ચડતા નથી. અહીંયા પહોંચવા માટેના સાઈન બોર્ડ પણ ક્યાંય મૂકવામાં આવ્યા નથી તેથી દ્વારકા સોમનાથ જતા પ્રવાસીઓ આ મહત્વના પર્યટન સ્થળથી અને પક્ષી દર્શનથી વંચિત રહી જાય છે. દરમિયાન, નાવડાથી ચાવંડ સુધીની બલ્ક પાઇપલાઇનના પ્રોજેકટના લોકાર્પણથી પોરબંદર ઉપરાંત બોટાદ, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના 1298 ગામ અને 36 શહેરના 67 લાખ લોકોને 12 કરોડ લીટર પાણી મળશે તેનાથી પોરબંદરને પણ ફાયદો થશે.