થાનમાં વર્ષ 2018માં અગાઉના મનદુઃખ બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ર શખ્સોએ ધારિયા અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ અંગેનો કેસ તાજેતરમાં થાન કોર્ટમાં ચાલી જતા કોર્ટે મુખ્ય આરોપીને 3 વર્ષની સજા અને બીજા આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.
થાનમાં રહેતા વિષ્ણુભાઈ ગોરધનભાઈ ફીસડીયાને વર્ષ 2016માં કારખાનામાં કામ કરવા બાબતે શંકર ચતુરભાઈ કેરવાડીયા અને અશોક ચતુરભાઈ કેરવાડીયા સાથે ઝઘડો થયો હતો. જે અંગે થાન કોર્ટમાં કેસ ચાલુ હતો. આ ઉપરાંત હનુમાનજીના મંદિરનો હિસાબ રાખવા બાબતે બન્ને વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ. ત્યારે તા. 4-પ-2018ના રોજ રાત્રે શંકર અને અશોક ગોરધનભાઈના ઘરે ધસી આવ્યા હતા. અને હનુમાનજીના મંદિરનો હિસાબ માંગવાવાળો તું કોણ ? અમારી સામે કરેલ કેસ પાછો ખેંચી લેજે તેમ કહી અપશબ્દો કહ્યા હતા. જેમાં ગોરધનભાઈએ અપશબ્દો કહેવાની ના પાડતા ઉશ્કેરાયેલા શંકરે ધારિયા વડે અને અશોકે લાકડી વડે ગોરધનભાઈને માર મારી ઈજા પહોંચાડી હતી. જેમાં તેઓને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. બનાવની તા. 13મીએ થાન પોલીસ મથકે બન્ને સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ તાજેતરમાં થાન કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ એસ. જે. ચૌહાણની દલીલો, 10 મૌખીક અને 6 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ થાન જયુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટના જજ એ. એફ. અન્સારીએ શંકર ચતુરભાઈ કેરવાડીયાને 3 વર્ષની સજા અને રૂપિયા 1 હજારનો દંડ ફટકાર્યો છે. જો તે દંડ ન ભરે તો વધુ 1 માસની સજા પણ સંભળાવાઈ છે. જયારે અશોક કેરવાડીયાને શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ જાહેર કરાયો છે.