બેલારુસની આર્યના સબાલેન્કોએ ચાઇના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ઓપનિંગ મુકાબલો જીતીને વર્તમાન સિઝનમાં સતત 13મો વિજય હાંસલ કર્યો હતો.
ચાલુ વર્ષે યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યા બાદ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટ રમી રહેલી વિશ્વની બીજી ક્રમાંકિત સબાલેન્કોએ 187મો ક્રમાંક ધરાવતી થાઇલેન્ડની મનાનાછાયા સવાંગકેઇને 6-4, 6-1ના સ્કોરથી હરાવી હતી. કેનેડા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ સબાલેન્કોએ યુએસ ઓપનમાં સતત સાત મેચ જીત્યા બાદ પાંચ મુકાબલા જીતીને સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટ જીતી હતી. તે પોતાની બેસ્ટ 15 મેચ જીતવાની સિરીઝથી બે વિજય દૂર છે. તેણે 2020 તથા 2021માં સતત 15 મેચો જીતી હતી. એશિયામાં સબાલેન્કોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે કારકિર્દીમાં જીતેલા 16 ડબ્લ્યૂટીએ ટાઇટલમાંથી ચાર ચીનમાં જીત્યા છે જે એક્ટિવ પ્લેયરમાં સર્વાધિક છે.