તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં ત્રિચી રોડ પર સ્થિત સિટી પ્રાઈવેટ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં એક બાળક અને 3 મહિલાઓ સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.
અનેક લોકો હોસ્પિટલમાં ફસાયા
આ દુર્ઘટના બાદ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. ડિંડીગુલ જિલ્લા કલેક્ટર અને એસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે અને તમામ જાણકારી મેળવી રહ્યા છે. હાલમાં હોસ્પિટલમાં કેટલા લોકો ફસાયા છે તેની માહિતી સામે આવી નથી.
જણાવવામાં આવી રહ્યું છે કે આજે રાત્રે લગભગ 9 વાગે હોસ્પિટલમાં ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી છે. આગ ઝડપથી ફેલાઈ હતી અને હોસ્પિટલના આગળના ભાગને લપેટમાં લીધો છે. આગને કારણે દર્દીઓ, એટેન્ડન્ટ્સ અને મેડિકલ સ્ટાફ સહિત 50થી વધુ લોકો હોસ્પિટલની અંદર ફસાયા છે. માહિતી મળતાં જ ડીંડીગુલ ફાયર અને રેસ્ક્યુ સર્વિસે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
આગમાં 20થી વધુ લોકો દાઝ્યા
ધુમાડાથી અસરગ્રસ્ત દર્દીઓ અને અન્ય લોકોને તાત્કાલિક 108 ઈમરજન્સી અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી ડિંડીગુલ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન 7 લોકોને તબીબોએ મૃત જાહેર કર્યા છે. 20થી વધુ લોકો હજુ પણ ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં 1 બાળક અને 3 મહિલાઓ સહિત 7 લોકોનો સમાવેશ થાય છે.
કલેક્ટર અને SP ઘટનાસ્થળે હાજર
દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ડિંડીગુલ જિલ્લા કલેક્ટર પૂંગોડી અને એસપી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. હોસ્પિટલમાંથી હજુ પણ આગ ઝડપથી પ્રસરી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોની મોટી ભીડ પણ ઉમટી પડી છે.