સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા તહેવાર પ્રીય છે. ગમે તેટલી મંદીનો માહોલ હોય પરંતુ લોકો દરેક તહેવાર ભારે ઉત્સાહ સાથે મનાવે છે. ત્યારે અન્ય તહેવારોની જેમ હાલ જિલ્લામાં દિવાળીનો માહોલ જામ્યો છે. શહેરની મુખ્ય બજારોમાં દિવસભર કીડીયારાની જેમ લોકો ખરીદી કરવા ઉમટી પડે છે. અને મોડી રાત સુધી બજારોમાં રંગત જામેલી હોય છે.
લંકાપતી રાવણને યુધ્ધમાં માત આપીને અયોધ્યાપતી શ્રી રામ આજે દિવાળીના દિવસે અયોધ્યા પધાર્યા હોવાથી વિજયોત્સવ સ્વરૂપે દીવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતી વર્ષના અંતીમ દિવસ તરીકે પણ દીપાવલી પર્વ મનાવાય છે.સુરેન્દ્રનગર શહેરમાં દિવાળીની રંગત જામી છે. ત્યારે દિવાળીના દિવસે વર્ષના અંતીમ દિવસે મોડી સાંજે મોટી સંખ્યામાં લોકો મનમુકીને દિવાળી અને નુતન વર્ષની ખરીદી કરવા નીકળ્યા હતા. જેને લીધે રાતના સમયે શહેરની બજારમાં રંગત જામી હતી.
ફટાકડા, મીઠાઈ, કાપડ, ઈલેકટ્રોનીક, જવેલર્સ સહીતના વેપારીઓને સારી એવી ઘરાકી રહેતી હોવાથી મોડી રાત સુધી દુકાનો પણ ખુલ્લી રહી હતી. સુરેન્દ્રનગરના ટાંકીચોક, પતરાવાળી ચોક, જવાહર ચોક, માઈ મંદીર રોડ, મહાલક્ષ્મી સીનેમા રોડ, ટાવર રોડ, હેન્ડલુમ ચોક સહીત તમામ રોડ પર માનવમહેરામણ ખરીદી કરવા મોડી રાત સુધી ઉમટયુ હતુ. ડ્રોનથી લેવાયેલ તસવીરમાં દિવાળીની રાતના સમયે સુરજ ઉગ્યો હોય તેમ શહેરની ઝગમગાટ સાથેની બજાર નજરે પડે છે.