સુરત શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણીને પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર SOGની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. બે શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. બન્ને આરોપી પાસેથી એસ.ઓ.જી.ની ટીમે 3 લોડેડ પિસ્તોલ, 1 દેશી તમંચો અને 14 જીવતા કાર્તૂસ જપ્ત કર્યા છે. એક આરોપીની ધરપકડ ચોક બજાર જ્યારે અન્ય આરોપીની ધરપકડ વેડ રોડથી કરવામાં આવી છે. બન્ને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી મનુ ડાહ્યા ગેંગનો સાગરીત, સુર્યા મરાઠી ગેંગના લોકોથી સ્વરક્ષણ માટે હથિયાર લઈને ફરતો હતો.
આરોપી પાસેથી બે પિસ્તોલ, એક દેશી તમંચો મળ્યો
પોલીસ દ્વારા ગેંગવોર ટાળવા માટે ટપોરી ગેંગના સભ્યો ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. SOGની ટીમોએ આ બાતમીના આધારે અલગ-અલગ ટીમો બનાવી હતી. શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે સુરત શહેરના વેડરોડ અને ચોકબજાર વિસ્તારમાં આ રેડ કરવામાં આવી હતી. વેડ રોડની ધ્રુવતારક સોસાયટી પાસે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રેડ કરી આરોપી ધીરજ સાહેબરાવ ગોસાઈની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી બે પિસ્તોલ, એક દેશી તમંચો, 11 જીવતા કાર્તૂસ મોબાઇલ ફોન (1 નંગ) મળી આવ્યા છે. આ તમામ મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. 61,100 થાય છે.
ચોકબજારમાં વધુ ધરપકડ
આરોપી ધીરજ ગોસાઈની પુછપરછ દરમિયાન માહિતી મળી કે, આ હથિયાર તે ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મેવાડાની મદદથી રાખતો હતો. આ આધારે ચોકબજારના શિવરંજની એપાર્ટમેન્ટમાં બીજા આરોપીની ધરપકડ કરવામાં આવી. તેની પાસેથી લોડેડ પિસ્તોલ (1 નંગ), 3 જીવતા કાર્તૂસ, મોબાઇલ ફોન (3 નંગ) મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 2,66,400 જપ્ત કરાયા છે.
ગેંગવોરનો ઇતિહાસ ભરત મેવાડાએ પોતાની પુછપરછમાં જણાવ્યું કે, તે અગાઉ કતારગામના ગેંગમેમ્બર્સ મનુ ડાહ્યા સાથે જોડાયેલો હતો. મનુ ડાહ્યા અને સુર્યા મરાઠી વચ્ચે લાંબા સમયથી ગેંગવોર ચાલતી હતી. 2016માં સુર્યા મરાઠીએ મનુ ડાહ્યાનું મર્ડર કર્યું હતું અને ત્યારબાદ સુર્યા મરાઠીની હત્યા થવા સાથે આ ગેંગની બાકીની દુશમનાવટ આગળ વધી હતી. સુર્યા મરાઠીના સાથીદારો સામે સુરક્ષા માટે તે હથિયાર સાથે રહેતો હતો. બન્ને આરોપી વિરુદ્ધ મારામારી સહિત અનેક ફરિયાદ છે. પાસાની પણ કાર્યવાહી થઈ ચૂકી છે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.