સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડીંગમાં 11 દિવસ અગાઉ પત્ની-દીકરાની હત્યા થઈ હતી. આ હત્યા કરનાર દીકરાના પિતાને પોલીસે હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાતા અટકાયત કરી હતી. ત્યારબાદ આજે સ્મિત જીયાણીને ઘટનાના રી-કન્સ્ટ્ક્શન માટે તેના ઘરે લઈ જવાયો હતો.
સ્મિતને ગતરોજ હોસ્પિટલમાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. આજે સવારે પોલીસની ટીમ સ્મિતને લઈને સરથાણા જકાતનાકા પાસે આવેલા રાજહંસ સ્વપન સૂર્યા બિલ્ડિંગમાં પહોંચી હતી. જ્યાં 11 દિવસ પહેલા કઈ રીતે બનાબ બન્યો હતો તેનું રી-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. સ્મિતે કઈ રીતે પોતાની પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યો અને ત્યારબાદ માતા અને પિતા પર કઈ રીતે હુમલો કર્યો હતો તેનું હૂબહૂ વર્ણન કર્યું હતું.
રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને હત્યાને આપ્યો અંજામ!
સ્મિતને લઈને પોલીસની ટીમ આજે જ્યારે તેના ઘરે રી- કન્સ્ટ્રકશન માટે પહોંચી ત્યારે આસપાસથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યાં હતાં. સ્મિતને જોવા માટે ઘટના સ્થળ આસપાસ લોકો એકત્રિત થયા હતા. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદાજુદા કારણોથી રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરી આપઘાત કરવાનું નક્કી કરી હુમલો કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ધરપકડ માટે રાહ જોતી હતી. ગત રોજ તેને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આથી સરથાણા પોલીસ અટકાયત કરી સ્મિતને લઈને ગઈ હતી.