સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈ તૈયારી શરૂ થઈ ગઈ છે. આગામી 1લી ફેબ્રુઆરીએ ચૂંટણીને લઈ નોટિફેકેશન પણ બહાર પાડવામાં આવનાર છે. તે પહેલા ચેમ્બરના સભ્યોને આગામી 25મી જાન્યુઆરી સુધીમાં મેમ્બરશિપ ડેટા કે સહીના નમૂનામાં કોઈ ફેરફાર કરવાનો હોય અથવા નવો આઈકાર્ડ બનાવવો હોય તો લેખિત પુરાવા સાથે જાણ કરવાની સુચના આપવામાં આવી છે.
દર વર્ષે ચેમ્બર દ્વારા મેનેજિંગ કમિટીની ચૂંટણી યોજાય છે
ચેમ્બરમાં 13 હજારથી વધુ સભ્યો છે. દર વર્ષે ચેમ્બર દ્વારા મેનેજિંગ કમિટીની ચૂંટણી યોજાય છે. જેમાં ચૂંટણી જીતનાર કે બિનહરીફ જાહેર થનાર ઉમેદવાર 2 વર્ષ સુધી પ્રિમિયમ, પ્લેટીનમ, ગોલ્ડ, ચિફ પેટ્રન, પેટ્રન અને આજીવન વિભાગના પદ પર કાર્યરત રહે છે. આ વર્ષે પ્રિમિયમ વિભાગની 4, પ્લેટીનમ વિભાગની 4, ગોલ્ડ વિભાગની 1, ચિફ પેટ્રન વિભાગની 12, પેટ્રન વિભાગની 6 અને આજીવન વિભાગની 46 બેઠક પર ચૂંટણી થનાર છે. જેને લઈ આગામી 1લી ફેબ્રુઆરીએ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવનાર છે. ઉપરોક્ત બેઠક પર આ વર્ષે ટર્મ પૂર્ણ થનારા સભ્યોની જગ્યાએ ચૂંટણી યોજાશે.
ગયા વર્ષે ફક્ત એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી
ઉલ્લેખનીય છે કે મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં પ્રવેશ્યા બાદ જ ચેમ્બરની વિવિધ કમિટીમાં સ્થાન મેળવી ચેમ્બરના રાજકારણમાં આગળ વધી શકાતું હોય છે. ગત વર્ષે એક ઉમેદવારે ઉમેદવારી પરત નહીં ખેંચતા ફક્ત એક બેઠક માટે ચૂંટણી કરવામાં આવી હતી.