સુરતમાં કોંગ્રેસના નેતા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા સામે ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયા પર ધાક ધમકીથી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવાને લઈ આ ફરિયાદ નોંધાઈ છે.
11 લોકો વિરોધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો
શહેરમાં જુલુસ નહીં કાઢવાના નિર્ણય સામે ઝેર ઓકનાર 11 લોકો વિરોધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સૈયદપુરામાં ગણેશ ઉત્સવ દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટના બાદ જુલુસનો મુદ્દો બન્યો હતો અને ઈદનું જુલુસ ટુંકાવીને પૂર્ણ કરવાની આગેવાનોની જાહેરાત હતી. ત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમાજના આગેવાનોને ટ્રોલ કરવા અને કેટલાક જુલુસના શખ્સોને ઉશ્કેરવા પાછળ અસલમ સાયકલવાળાનો હાથ હતો.
કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાનો ખુલાસો
બીજી તરફ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ ખુલાસો કરતા જણાવ્યું કે કોંગ્રેસના ઈન્ટરનલ પોલિટીક્સનો હું ભોગ બન્યો છું. શહેરમાં જુલુસ શાંતિથી નીકળ્યું એ કેટલાક લોકોને પસંદ ના આવ્યું. આ સાથે જ નેતાએ કોંગ્રેસના નેતા કદીર પીરજાદા સામે આરોપ લગાવ્યા અને કહ્યું કે પોલીસ ફરિયાદ પાછળ કદીર પીરજાદાનો હાથ છે. જો કે આ મામલે લાલગેટ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ગણેશ મહોત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી અને ત્યારબાદ શહેરમાં તંગદિલીભર્યુ વાતાવરણ સર્જાયુ હતું અને આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ કડક તપાસના આદેશ આપ્યા હતા.