7 વર્ષ અગાઉ બાંગ્લાદેશની સાતખીરા જિલ્લાની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળમાં પ્રવેશ્યો હતો. જે બાદ સુરત આવી અલગ-અલગ જગ્યાએ ભાડેથી રહેતો હતો. સુરતમાંથી બાંગ્લાદેશી ઇસમની ધરપકડ કરવામાં આવી છે. SOG પોલીસની ટીમે બાંગ્લાદેશી ઇસમને ખોટું નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટ આધારે બનાવેલા ભારતીય ઓળખ પુરાવા સાથે ઝડપી પાડ્યો હતો.
આ અંગે માહિતી મુજબ, સુરત શહેરમાં SOG પોલીસની ટીમે અડાજણ પરશુરામ ગાર્ડન પાસેથી આરોપી મૂળ બાંગ્લાદેશના વતની મોહમદ હમીમ અબ્દુલહક ફકીર (ઉ.32)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 1 મોબાઈલ ફોન, અલગ અલગ નામના આધાર કાર્ડની પી.વી.સી. કોપી નંગ 02, પાનકાર્ડની પી.વી.સી.કોપી નંગ 1, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની લેમીનેશન કોપી નંગ 1, નિકાહનામાની લેમીનેશન કોપી નંગ 2, કોવીડ વેક્સીન સર્ટિફિકેટ લેમીનેશન કોપી નંગ 1, બાંગ્લાદેશી વીઝીટીંગ કાર્ડ નંગ 1 તથા બાંગ્લાદેશી મોબાઈલ સીમકાર્ડ વગેરે મુદામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો.
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પોતે બાંગ્લાદેશનો નાગરિક હોય અને પોતે સાતેક વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે બાંગ્લાદેશના સાતખીરા જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્રિમ બંગાળ રાજ્યના બેનગોન ખાતેથી પ્રવેશ કરી કલકત્તા આવ્યો હતો. તેની પાસેથી મળી આવેલા ભારતીય ઓળખના પુરાવા બોગસ ડોક્યુમેન્ટ આધારે બનાવેલા અને ત્યારબાદ તે હાવડા રેલ્વે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફતે સુરત ખાતે આવી અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતો હતો. હાલ આરોપી વિરુદ્ધમાં અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.