સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, એકલી મહિલાને બસના જ ડ્રાઈવરે પોતાનો શિકાર બનાવી હતી. જ્યારે મહિલા સુરતથી ગામ ગઈ હતી, તે સમયે ટિકિટ પરથી નંબર ડ્રાઈવરે લઈ લીધો હતો અને ત્યારબાદ સતત મહિલાને હેરાન કરતો હતો.
લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ
આ મહિલા જ્યારે ફરીથી સુરત જવા માટે બસમાં બેઠી, ત્યારે મોડી રાત્રે તેમના પુત્રને મારી નાખવાની ધમકી આપીને ડ્રાઈવરે બે વખત મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે 33 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું, મહિલા સુરતથી પોતાના વતન ગઈ હતી ત્યારે ટિકિટમાં કોન્ટેક્ટ માટે આપેલો નંબર ડ્રાઈવરે લઈ લીધો હતો.
મહિલાના પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું
ત્યારબાદ મહિલાને મિત્રતા કરવા માટે સતત દબાણ કરતો હતો, મહિલા જ્યારે ફરીથી સુરત આવી ત્યારે પણ મારુતિ નંદન નામની ખાનગી બસમાં જોગનુંજોગ મહિલાએ ટિકિટ તે જ બસમાં લીધી હતી, જેથી મહિલા સુરત આવી રહી હતી તે દરમિયાન રાત્રે બે વાગ્યાની આસપાસ મહિલા બસમાં પોતાના સોફામાં એકલી હતી, તે સમયે ડ્રાઈવર સમયનો લાભ લઈને મહિલાના સોફામાં ધસી આવ્યો હતો અને મહિલાનું મોં દબાવી તેના પુત્રને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું.
બસ ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
ત્યારબાદ ફરીથી પણ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને આમ 3 કલાકમાં 2 વખત મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ મહિલા જ્યારે પોતાના ઘરે પહોંચી, ત્યારે તેમને તેમના પતિને સમગ્ર વાત જણાવી હતી અને તરત જ તેમના પતિએ તાત્કાલિક જ આ બસ ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે મહિલાને કાપોદ્રા પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી
જ્યાં મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેથી કાપોદ્રા પોલીસે જે ખાનગી બસમાં દુષ્કર્મ થયું હતું. તે બસને કબ્જે લીધી હતી, જોકે ડ્રાઈવરને સમગ્ર માહિતી મળી જતા પોલીસ આવે તે પહેલાં જ તે ભાગી છુટ્યો હતો. જો કે હાલમાં પોલીસે મહિલાની ફરિયાદના આધારે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.