સુરત શહેર ઔદ્યોગિક શહેર તરીકે ઓળખ ધરાવે છે, પરંતુ સુરત શહેરના અનેક વિસ્તારોમાં આવેલા ઔદ્યોગિક એકમો ગેરકાયદેસર ઔદ્યોગિક પાણી ડ્રેનેજ લાઈનમાં નાખી રહ્યા છે. જેને લઈને આવા યુનિટ સામે સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 15 દિવસમાં મોટી કાર્યવાહી કરી છે. પંદર દિવસ દરમિયાન કુલ 380 ઔદ્યોગિક એકમોને નોટિસ આપવામાં આવી છે.
દૂષિત પાણી ડ્રેનેજ લાઈનમાં છોડી દેવામાં આવી રહ્યું છે, શહેરના અનેક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો આવેલ છે, જે આ સંચાલકો પ્રોસેસ દરમિયાન દૂષિત અને ગંદુ પાણી ટ્રીટ નથી કરતા અને તેને ગેરકાયદેસર રીતે ડ્રેનેજ કનેક્શનમાં છોડી દે છે. જેના કારણે પ્રદૂષણની સ્થિતિ જોવા મળી રહી છે. અસંખ્ય ફરિયાદો બાદ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી છે. ખાસ કરીને સુરત શહેરના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા આવા 104 યુનિટોને સીલ કરવામાં આવ્યા છે. પાલિકાના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ પુરા શહેરના ઔદ્યોગિક વિસ્તાર સચિન, કતારગામ, પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત અને દૂષિત પાણી ડ્રેનેજ લાઈનમાં છોડી દેવામાં આવતા હતા.
પ્રદૂષણથી સ્થાનિકોને હેરાનગતિ
સ્થાનિક લોકો હેરાન પરેશાન વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈનમાં આ લોકો દૂષિત પાણી છોડતા હતા. જે અંગે પાલિકાને અનેક ફરિયાદો મળી હતી એટલું જ નહીં અનેક વિસ્તારોમાં મિલ માલિકો જાહેરમાં જ પાણી છોડી દેતા હતા જેથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ફરિયાદો બાદ આખરે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી.
પાણી છોડનાર 380 યુનિટને નોટિસ
ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ચપટવાલાએ આ અંગે જણાવ્યું હતું કે, તેમને આ પ્રકારની ફરિયાદ સતત મળી રહી હતી જે અંગે તમામ ઝોનને કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. લિંબાયતમાં કેમિકલ વાળા પાણી ડ્રેનેજ લાઈનમાં નાખનાર કુલ 104 તપેલા ડાઈન યુનિટ સીલ કરવામાં આવ્યા છે. જ્યારે કતારગામમાં 175 યુનિટ વરસાદી પાણીની સ્ટ્રોમ લાઈનમાં ગેરકાયદેસર રીતે કનેક્શન નાખવા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે.