આજે ધનતેરસનો શુભ અવસર છે. મોટાભાગે આજે લોકો સોના ચાંદીની વસ્તુઓ અને ઘરેણાંઓની મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોય છે. ત્યારે ધનતેરસના શુભ અવસરે સુરત પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે યોજ્યો કાર્યક્રમ
સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ પોલીસે આજે એટલે કે ધનતેરસના દિવસે મુદ્દામાલની વાપસી કરી હતી. દિવાળી પહેલા જ બે દિવસમાં 45 લાખના ઘરેણાની ચોરીનો કેસ ઉકેલ્યો અને મૂળ માલિકને ધનતેરસના દિવસે ઘરેણા પરત કર્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કાર્યક્રમ યોજ્યો હતો અને ફરિયાદીઓની દિવાળી સુધારી હતી. દિવાળી પહેલા 45 લાખના ઘરેણાની ચોરી શહેરમાં અલગ અલગ જગ્યાએ થઈ હતી.
આજે સોના ચાંદીની ધૂમ ખરીદી
તમને જણાવી દઈએ કે દિવાળી પૂર્વે આજે ધનતેરસનો પાવન પર્વ છે અને મા લક્ષ્મીને રીઝવવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો સોના, ચાંદીની ખરીદી માટે પહોંચ્યા છે અને ચાંદીના સિક્કા, મૂર્તિ, સોનાના દાગીનાની ખરીદી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 80,660 છે તો એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા 99000ની આસપાસ છે.
અમદાવાદમાં પણ પોલીસ સર્તક
બીજી તરફ દિવાળીના પર્વને લઈ અમદાવાદ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. દિવાળી ટાણે અનેક જગ્યાએ ચોરી અને લૂંટની ઘટનાઓ બનતી હોય છે. જેથી ખાસ કરીને મહિલાઓ કેટલી સજાગ છે તે અંગે જાણવા અને તેમને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો. જેમાં ખરીદી કરવા માટે મહિલાઓ પોતાના સામાન પ્રત્યે અને કીમતી ચીજ વસ્તુઓ પ્રત્યે બેધ્યાન બની જાય છે અને અનેક વસ્તુ ગુમાવી દે છે
પોલીસ દ્વારા મહિલાઓને સજાગ કરવામાં આવી
જેના કારણે મોટુ નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે ખરીદી સમયે ભીડનો લાભ લઈને ખિસ્સા કાતરુઓ પર્સની પણ ચોરી કરી લેતા હોય છે અને ચોરી કરીને ફરાર થઈ જાય છે. તેથી પોલીસ દ્વારા હંમેશા પોતાના સામાન માટે કાળજી રાખવી અને કોઈ પણ વ્યક્તિ આવા તત્વોનો ભોગ ન બને તે માટે વધારે સજાગ બને તે માટે પોલીસ દ્વારા મહિલાઓને સજાગ કરવામાં આવી હતી.