સુરતના VR મોલ પાસે નજીવી બાબતે બે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવકનું હોસ્પિટમલાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડીને જેલ હવાલે કર્યો છે.
પીરસવાના કામ બાબતે વેઈટરો વચ્ચે ઝઘડો થયો હતો
શહેરના ડુમસ રોડ ઉપર આવેલા વીઆર મોલ સામેથી રિક્ષામાં જતા બે સગા ભાઈઓ ઉપર સાથે હોટલમાં કામ કરતા અન્ય વેઈટરે કરેલા હુમલામાં અભિષેક નામના વેઈટરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે બનાવ અંગે હત્યાના ગુનામાં સંડોવાયેલા અવિનાશની ધરપકડ કરી છે. ઉમરા પોલીસ જણાવ્યા મુજબ મગદલ્લા રોડ સ્થિત શિવમ કિચન હોટલમાં કામ કરતા અવિનાશ, અભિજીત અને અભિષેક વચ્ચે પીરસવાના કામ બાબતે ઝઘડો થયો હતો.
અભિષેકને છાતી અને મોઢા પર ઘાતક હથિયારના ઘા વાગવાથી ઘટનાસ્થળે જ મોત
ઝઘડો પત્યા બાદ વેઈટર બે સગા ભાઈ અભિજીત વિષ્ણુશંકર તિવારી અને અભિષેક વિષ્ણુશંકર તિવારી હોટલમાંથી નીકળીને રિક્ષામાં જતા હતા. વીઆર મોલ સામે સર્કસ ગ્રાઉન્ડથી પસાર થતા હતા, ત્યારે રસ્તામાં તેમને વેઈટર અવિનાશ સિંહાએ આંતરી લઈ હુમલો કર્યો હતો. હુમલામાં છાતી અને મોઢા પર ઘાતક હથિયારના ઘા વાગવાથી ગંભીર ઈજા પામેલા મોટા ભાઈ અભિષેકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરતાં હત્યારા વેઈટર અવિનાશ સત્યેન્દ્ર નાગેન્દ્રપ્રસાદ સિંહાને તાત્કાલિક પકડી લઈને કસ્ટડી ભેગો કર્યો હતો.